Mon Oct 05 2026

Logo

પી. વી. સિંધુએ `એક્સ' પર લખ્યું, `સહી સલામત બેંગ્લૂરુમાં ઘરે પાછી આવી ગઈ છું, પણ...'

2026-03-03 18:18:38
Author: Ajay Motiwala
પી. વી. સિંધુએ `એક્સ' પર લખ્યું, `સહી સલામત બેંગ્લૂરુમાં ઘરે પાછી આવી ગઈ છું, પણ...'

બેંગ્લૂરુઃ બૅડમિન્ટનમાં ઑલિમ્પિક્સના બે મેડલ જીતી ચૂકેલી ભારતની સ્ટાર ખેલાડી પી. વી. સિંધુ (PV Sindhu) મધ્ય પૂર્વના યુદ્ધ (War)ને કારણે દુબઈમાં અટવાઈ ગયા બાદ ભારત પાછી આવી ગઈ છે, પરંતુ તેણે બર્મિંગમની ઑલ ઇંગ્લૅન્ડ ચૅમ્પિયનશિપ્સમાંથી નામ પાછું ખેંચી લેવું પડ્યું છે અને એનો તેને અફસોસ છે.

સિંધુએ `એક્સ' પર જણાવ્યું હતું કે `હું દુબઈથી બેંગ્લોરમાં મારા ઘરે સુખરૂપ પાછી આવી ગઈ છું. છેલ્લા થોડા દિવસો ખૂબ જ ભયભીત કરી મૂકનારા, ચિંતા કરાવનારા અને અનિશ્ચિત રહ્યા. જોકે હવે ઘરે પાછી આવી ગઈ છું એ બદલ બેહદ ખુશ છું. અચાનક જિંદગી કેવા નાજુક સમયમાં આવી જતી હોય છે એ આવી ક્ષણો પરથી જાણવા મળતું હોય છે.'

ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન સિંધુ 2021માં પ્રતિષ્ઠિત ઑલ ઇંગ્લૅન્ડ (All England) ચૅમ્પિયનશિપ્સમાં સેમિ ફાઇનલમાં પહોંચી હતી, પણ ત્યાર પછી સતત ચાર વર્ષ (2022, 2023, 2024, 2025)માં તે એ સ્પર્ધામાંથી વહેલી બહાર થઈ ગઈ હતી અને આ વખતે તેને ઇંગ્લૅન્ડ સુધી ન પહોંચી શકવાને કારણે રમવા જ ન મળ્યું.

સિંધુએ `એક્સ' પર એવું પણ જણાવ્યું કે `દુબઈમાં મેં જે જટિલ પરિસ્થિતિનો સામનો કર્યો, પરંતુ એમાં મને કંઈ જ ગંભીર તકલીફ ન થઈ અને હું સહી સલામત ભારત પાછી આવી ગઈ એ માટે મારી ટીમ, દુબઈના સત્તાધીશો, દુબઈ ઍરપોર્ટના સ્ટાફ, ઇમિગ્રેશન વિભાગ અને દરેક સંબંધિત વ્યક્તિનો આભાર માનું છું. હું હવે આરામ કરીશ અને સંઘર્ષભર્યા સમયને ભૂલીને ભવિષ્યની ટૂર્નામેન્ટો સંબંધમાં શું કરવું એ વિશે વિચારીશ.'