નવી દિલ્હી: સંસદનું વિશેષ સત્ર 16 થી 18 એપ્રિલ સુધી યોજાવાનું છે.જોકે, આ સત્ર એટલા માટે પણ ખાસ માનવામાં આવે છે કારણ કે તેમાં બે મહત્વના વિષય પર બિલ રજૂ થવાના છે અને પસાર પણ થશે. જેમાં એક મહિલા અનામત વિધેયક અને બીજો વિષય છે લોકસભાના મત વિસ્તારોના પુન:નિર્માણ કરવાનો છે. આ બંને વિષયોના લીધે આગામી દિવસોમાં સંસદનો નકશો અને સત્તાના સમીકરણો બદલાશે. તેમજ સંસદનું આ સત્ર વિપક્ષના વિરોધના લીધે તોફાની પણ બનશે.
મુખ્ય વિષય લોકસભા મતવિસ્તારોનું પુન: સીમાંકન
કેન્દ્ર સરકાર વર્ષ 2029 સુધીમાં મહિલા અનામત કાયદો લાગુ કરવા માંગે છે. જોકે, તેના માર્ગમાં સૌથી મહત્વપૂર્ણ અવરોધ સીમાંકનના મુદ્દાઓ અને બેઠકોની ફાળવણી અંગેનું નવું ગણિત છે. આ બિલના બેવડા પડકાર છે એક તરફ મહિલાઓ માટે 33 ટકા મહિલા અનામત સુનિશ્ચિત કરવી અને બીજી તરફ રાજ્યો વચ્ચે બેઠકોની વહેંચણીમાં સંતુલન જાળવવું છે. આ કાયદાનો મુખ્ય વિષય લોકસભા મતવિસ્તારોના પુન: સીમાંકન સાથે મહિલાઓને અનામત આપવાનો છે. તેથી સત્ર ભલે ત્રણ દિવસનું હોય પરંતુ તેની અસર મોટી હશે.
અનામત વર્ષ 2029 ની લોકસભા ચૂંટણી પહેલાં જ લાગુ કરી દેવાશે
આ ઉપરાંત સરકાર બંગાળ અને તમિલનાડુમાં ચૂંટણીઓ પૂર્વે વર્ષ 2023 માં પસાર થયેલા 'નારી શક્તિ વંદન અધિનિયમ' ના અમલીકરણને ઝડપી બનાવવાનો ઇરાદો ધરાવે છે. હાલના નિયમો અનુસાર આ કાયદો વર્ષ 2027 ની વસ્તી ગણતરી અને ત્યારબાદના સીમાંકન કવાયત પછી અમલમાં આવવાનો હતો. જો કે સરકારે હવે રાહ જોવાનો ઇનકાર કર્યો છે. આ માટે ત્રણ બિલ રજૂ કરવામાં આવી રહ્યા છે. એક બંધારણીય સુધારા બિલ, એક સીમાંકન બિલ અને એક કેન્દ્રશાસિત પ્રદેશ સુધારા બિલ છે. આનો અર્થ એ છે કે હવે વર્ષ 2034 સુધી રાહ જોવાની જરૂર નથી. તેમજ આ અનામત વર્ષ 2029 ની લોકસભા ચૂંટણી પહેલાં જ લાગુ કરી શકાય છે.
લોકસભાની બેઠકોની સંખ્યા 543 થી વધારીને આશરે 850 કરવાનો પ્રસ્તાવ
આ બિલમાં લોકસભાની બેઠકોની સંખ્યા 543 થી વધારીને આશરે 850 કરવાનો પ્રસ્તાવ છે. તેમાંથી લગભગ 273 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે આ બિલ માત્ર સંસદનો નકશો જ નહિ પરંતુ સત્તાના સમીકરણો બદલી નાખશે.તેમાં પણ મહત્વનું એ છે કે વર્ષ 2027 ની વસ્તી ગણતરીને બદલે વર્ષ 2011 ની વસ્તી ગણતરી પર સીમાંકન કવાયતને આધાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
વર્ષ 2029 થી જ મહિલા અનામતનો અમલ શક્ય બનશે
આ બિલમાં સ્પષ્ટ છે કે છેલ્લી વસ્તી ગણતરી સીમાંકન માટે આધાર તરીકે લેવામાં આવશે. જેનાથી વર્ષ 2029 થી જ મહિલા અનામતનો અમલ શક્ય બનશે. મુખ્ય વિશેષતાઓમાં 33 ટકા અનામત ક્વોટા, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ની મહિલાઓ માટે પેટા-ક્વોટા સાથે 15 વર્ષનો સમયગાળો અને અનામત બેઠકોનું રોટેશન પણ સામેલ છે.
લગભગ 362 મતોની જરૂર પડશે
હાલ, લોકસભામાં એનડીએ પાસે લગભગ 292-293 સાંસદો છે, જોકે, બંધારણમાં સુધારો કરવા માટે ખાસ બહુમતી જરૂરી છે. જો આખું ગૃહ હાજર હોય તો લગભગ 362 મતોની જરૂર પડશે. એટલે કે સરકારને લગભગ 70 વધારાના મત મેળવવાની જરૂર છે. રાજ્યસભામાં પરિસ્થિતિ પણ ઓછી પડકારજનક નથી. એનડીએ પાસે લગભગ 141 બેઠકો છે, જે 164 બેઠકોથી ઓછી છે.પરિણામે, સરકારને તેના જોડાણની બહારના પક્ષોના સમર્થનની જરૂર છે.
2011ની વસ્તી ગણતરીના આધારે નવી બેઠક ફાળવણી ફોર્મ્યુલા
આ ઉપરાંત મહત્વનો મુદ્દો એ છે કે સરકાર વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધારે નવી બેઠક ફાળવણી ફોર્મ્યુલા લાગુ કરવા માંગે છે; જોકે, દક્ષિણ રાજ્યો તમિલનાડુ, તેલંગાણા, કેરળ અને કર્ણાટક આ મુદ્દે એલર્ટ છે. તેમનો તર્ક સ્પષ્ટ છે. અમે વસ્તી વૃદ્ધિ પણ અટકાવી અને તેના પરિણામો પણ અમારે જ ભોગવવા પડે છે.
વિપક્ષ સીમાંકનના બહાને સત્તા પરિવર્તનને સ્વીકારવા તૈયાર નથી
આ દરમિયાન વિપક્ષનું સ્ટેન્ડ સ્પષ્ટ છે. તેવો મહિલા અનામત બિલને ટેકો આપે છે પરંતુ સીમાંકનના બહાને સત્તાના પરિવર્તનને સ્વીકારવા તૈયાર નથી. કોંગ્રેસ સહિત અનેક પક્ષો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું મહિલા અનામતના બહાને રાજકીય પરિદૃશ્યમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જો કે, સરકારનું કહેવું છે કે આ વસ્તીના બીજા અડધા ભાગને તેમનો હકદાર હિસ્સો આપવાની ઐતિહાસિક તક છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલા અનામત 2029 સુધીમાં લાગુ કરવામાં આવશે અને કોઈપણ રાજ્યને અન્યાયનો સામનો નહિ કરવો પડે.