ગાંધીનગર: : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બર ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ₹35,200 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ફ્લેગ ઑફ કરશે. તેમાં ₹32,606 કરોડથી વધુના કેન્દ્ર સરકારના તથા ₹2,597 કરોડથી વધુના રાજ્ય સરકારના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાનના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના ₹32,606 કરોડથી વધુના વિકાસકાર્યોમાં નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (NHAI)ના ₹1,840.55 કરોડના પ્રોજેક્ટ્સ સામેલ છે.
છ માર્ગીય ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવશે
NHAI હેઠળ ખાતમુહૂર્ત થનારા પ્રોજેક્ટ્સમાં NH-48ના વડોદરા-સુરત સેક્શનમાં તાપી અને નર્મદા નદી પરના મુખ્ય પુલ સહિતના માળખાંનું ₹907.39 કરોડના ખર્ચે નિર્માણકાર્ય, કામરેજ-ચલથાણ સેકશનના છ માર્ગીય કેરેજવેનું ₹686.15 કરોડનું કામ તથા NH-53 પર આભવા, મીંઢોળા અને ખજોદ જંકશન ખાતે ગ્રેડ સેપરેટેડ સ્ટ્રક્ચર્સનું ₹187.11 કરોડના ખર્ચે નિર્માણકાર્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, NH-48 પર કંડારી ચોકડી અને લુવારા પાટિયા ખાતે ₹59.90 કરોડના ખર્ચે નિર્મિત છ માર્ગીય ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવશે.
આ ઉપરાંત ભારતીય રેલવે હેઠળ ₹30,766 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. ₹20,703 કરોડના ખર્ચે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)ના ત્રણ વિભાગો—ન્યૂ સાણંદ (N)–ન્યૂ મકરપુરા (138 કિ.મી.), ન્યૂ ઉમરગામ–ન્યૂ સફાળે (86 કિ.મી.) અને ન્યૂ સફાળે–ન્યૂ JNPT (102 કિ.મી.)—નું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ, ₹8,885 કરોડના ખર્ચે વડોદરા-રતલામ વચ્ચે 259 કિ.મી. લાંબા ત્રીજા અને ચોથા રેલવે ટ્રેકના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
WDFC પર માલગાડીનું ફ્લેગ ઑફ પણ કરવામાં આવશે
જ્યારે રેલવે લાઇનોના ગેજ કન્વર્ઝન અને ડબલિંગના કામોનું લોકાર્પણ તેમજ વડોદરા-ટાંડા રોડ વચ્ચે નવી ટ્રેન અને WDFC પર માલગાડીનું ફ્લેગ ઑફ પણ કરવામાં આવશે.
ગુજરાતના ₹2,597 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ
વડોદરા ખાતે ગુજરાત સરકારના ₹2,597 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગૃહ વિભાગ, IMD-GIDC, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ (RDD), પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ તથા પાણી પુરવઠા વિભાગ હેઠળના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
શહેરી વિકાસ વિભાગ હેઠળ ગુજરાતને કુલ ₹916.38 કરોડના ખર્ચે 8 જેટલા પ્રોજેક્ટ્સની ભેટ મળશે. તેમાં ₹523.59 કરોડના ખર્ચે વડોદરા રિંગ રોડના બીજા તબક્કાના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી કચેરીના નિર્માણનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે.
11 ગામો માટે ₹203.77 કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ સહિત કાર્યોનું લોકાર્પણ
વડાપ્રધાન VUDAની હદમાં પૂર્વ વિસ્તારનાં 11 ગામો માટે ₹203.77 કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ, પાણીની ટાંકી, પાઇપલાઇન, વિતરણ વ્યવસ્થા, અંડરગ્રાઉન્ડ સમ્પ તથા પમ્પિંગ સ્ટેશન સહિતની વિવિધ માળખાકીય સુવિધાઓનું લોકાર્પણ કરશે. સાથે જ, ભાયલી ટી.પી.-3 અને ટી.પી.-4 વિસ્તારોમાં એલિવેટેડ ટાંકી, અંડરગ્રાઉન્ડ સમ્પ, ફીડર લાઇન અને પમ્પિંગ મશીનરી સહિતની સુવિધાઓ, આજવા સરોવર ખાતે 150 MLD ક્ષમતાના પોન્ટૂનનું નિર્માણ, વડોદરા શહેરના વિવિધ જંક્શનો ખાતે સ્ટોર્મ વોટર ડ્રેનેજની સુવિધા તથા PMAY હેઠળ EWS આવાસો જેવા વિવિધ વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
110 મેગાવોટ ક્ષમતાના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ મહીસાગર જિલ્લાના કડાણા ડેમના જળાશય પર ₹489.20 કરોડના ખર્ચે 110 મેગાવોટ ક્ષમતાના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, વડોદરા અને સુરતમાં કુલ ₹94.58 કરોડના ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. આ વિકાસકાર્યોના પરિણામે રાજ્યમાં માળખાગત સુવિધાઓને વધુ વેગ મળશે તેમજ નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
13,888 આવાસોનું લોકાર્પણ
પ્રધાનમંત્રી આવાસ યોજના–ગ્રામીણ (PMAY-G) અંતર્ગત સમગ્ર રાજ્યમાં ₹236.10 કરોડના ખર્ચે નિર્મિત 13,888 આવાસોનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ હેઠળ મહીસાગર નદી પર ₹150 કરોડના ખર્ચે નવા મેજર બ્રિજ, વાત્રક નદી પર ₹74.10 કરોડના ખર્ચે મેજર બ્રિજ તથા નડિયાદ-ડાકોર-પાલી માર્ગ પર હાઈ-લેવલ મેજર બ્રિજના નિર્માણનો સમાવેશ થાય છે.
આણંદ ખાતે નવા બસ સ્ટેશનના નિર્માણનું ખાતમુહૂર્ત
વડાપ્રધાન આણંદ ખાતે નવા બસ સ્ટેશનના નિર્માણનું ખાતમુહૂર્ત પણ કરવાના છે. જ્યારે નવસારીના એરુ PHQ ખાતે વિકસાવવામાં આવેલી વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત, IMD-GIDC હેઠળ બે વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. તેમાં ઝઘડિયા-કાંટિયાજળ પાઇપલાઇનનું નવીનીકરણ તથા સાવલી GIDCમાં રસ્તાઓને પહોળા કરવા અને રિસરફેસિંગના કામોનો સમાવેશ થાય છે. પાણી પુરવઠા વિભાગ હેઠળ તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં ₹214.52 કરોડના ખર્ચે ત્રણ RWSS પેકેજનું લોકાર્પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીની પણ મુલાકાત લેવાના છે.