Thu Jun 18 2026

Logo

હવે પવન કે વરસાદમાં વીજળી ગુલ નહીં થાય: અમરેલીમાં ટ્રિપિંગની સમસ્યા ઘટાડવા આધુનિક MVCC કેબલિંગ શરૂ...

2026-03-03 18:28:04
Author: Devayat
Article Image

અમરેલી: જિલ્લાના દેવરાજીયા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા આધુનિક MVCC (Medium Voltage Covered Conductor) કેબલ લગાડવાની કામગીરીનો પ્રારંભ ઊર્જા રાજ્ય પ્રધાન કૌશિક વેકરીયાના હસ્તે કરવામાં આવ્યો હતો.  પી.જી.વી.સી.એલ દ્વારા અમરેલી જિલ્લામાં વીજ પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત અને વિશ્વસનીય બનાવવા માટે ફેઝ-૧ અંતર્ગત આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દેવરાજીયા ફીડર મુકામે ૧૮ કિલોમીટર લંબાઈ ધરાવતો કેબલ ૧.૪૧ કરોડના ખર્ચે બીછાવવામાં આવશે.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આશરે અમરેલી જિલ્લામાં રૂ. ૭૦.૬૨ કરોડના ખર્ચે જિલ્લામાં કુલ ૯૪૫ કિલોમીટર લંબાઈમાં ૪૫ ફીડરમાં MVCC કેબલ બિછાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જિલ્લામાં વીજ પુરવઠાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે. MVCC કેબલના અમલીકરણથી તમામ ઋતુમાં કપાયા વિના અને નિરાંત વીજ પુરવઠો ઉપલબ્ધ થશે. ખાસ કરીને પવન, વરસાદ કે વૃક્ષોના કારણે થતા ટ્રિપિંગના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થશે. ઉપરાંત લાઇન લોસમાં ઘટાડો થવાથી વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ બનશે.

 ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં કેબલને વાતાવરણના કારણે અસર થતી હોય છે ત્યારે આ વિશિષ્ટ કેબલથી કાટની અસર નહીં થાય. હાલ જ્યોતિ ગ્રામ યોજના અંતર્ગત આવતા ગામડાં અને અન્ય ગ્રામિણ વિસ્તારનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.