પઠાણકોટઃ પંજાબના પઠાણકોટમાં પોલીસે એક જાસુસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પંજાબ પોલીસે પઠાણકોટમાં રહેતા બલજીતસિંહ નામના શખસની ધરપકડ કરી છે. બલજીતસિંહ પર એવો આરોપ છે કે, તેમણે નેશનલ હાઈવે 44 પર સીસીટીવી કેમેરા લગાવીને ભારતીય સેના અને અર્ધસૈનિક દળની પ્રવૃતિઓની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડી હતી. પોલીસે જણાવ્યું કે પંજાબમાં મૂળ ચક્ક ધારીવાલ ગામના રહેવાસી બલજીતસિંહ ઉર્ફે બિટુએ નેશનલ હાઈવે 44 પર કેમેરા લગાવ્યા હતા અને સૈન્યની પ્રવૃતિને પાકિસ્તાન સુધી પહોંચાડી હતી.
કેટલા રૂપિયા મળતા હતા?
આ શખ્સે નેશનલ હાઈવે પર આવેલી એક દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા.આવું કરવા પાછળનો એનો હેતુ સૈન્ય અને અર્ધસૈનિક દળની પ્રવૃતિ પર નજર રાખવાનો હતો. પોલીસ અધિકારી દલજિંદરસિંહ ઢિલ્લોએ કહ્યું હતું કે, મોનિટરિંગનો ડેટા ઈલેક્ટ્રોનિક્સ રૂપથી પાકિસ્તાન અને વિદેશમાં રહેલા આકાઓને પહોંચાડવામાં આવતો.
પોલીસ પૂછપરછ દરમિયાન બલજીતસિંહે સ્વીકાર્યું હતું કે જાન્યુઆરી મહિનામાં સુજાનપુર પાસે આવેલા નેશનલ હાઈવે પર આવેલી એક દુકાનમાં સીસીટીવી લગાવ્યા હતા. આ સિવાય દુબઈમાં એક અજાણ્યા શખ્સના આદેશ પર તે કામ કરતો હતો. આ કામ કરવા માટે એમને 40 હજાર રૂપિયા મળ્યા હતા.
અન્ય આરોપીને પકડવા તપાસ શરૂ
બલજીતસિંહ પાસેથી એક વધારાનો સીસીટીવી અને ઈન્ટરનેટ વાઈફાઈ રાઉટર મળી આવ્યું છે. પોલીસે આ એક્શન ત્યારે લીધું જ્યારે તેમને પઠાણકોટ જમ્મુ વિસ્તારમાં કેટલીક શંકાસ્પદ પ્રવૃતિઓની ચોક્કસ બાતમી મળી હતી. આ પછી સુજાનપુર પોલીસે ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. બલજીતસિંહ સિવાય, વિક્રમજીતસિંહ ઉર્ફે વિક્કા, બલવિંદરસિંહ ઉર્ફે વિક્કી અને તરનપ્રીતસિંહ ઉર્ફે તનુ સામે ફરિયાદ નોંધી છે. પોલીસે એ પણ સ્પષ્ટતા કરી કે આ આરોપી રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓમાં સામેલ હતા.
આ કેસ સાથે જોડાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસે દરોડા પાડવાના શરૂ કરી દીધા છે. આ અંગે એક વિસ્તૃત રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ હાલમાં એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ સમગ્ર નેટવર્ક પાછળ ફંડિગ કેવી રીતે અને ક્યાંથી થતું હતું