થાણે: થાણે રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી ઊતરતી વખતે પડી ગયેલા 30 વર્ષના પ્રવાસીએ બંને પગ ગુમાવ્યા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.થાણે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)નાં સિનિયર ઇન્સ્પેક્ટર અર્ચના દુસાનેએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ નંબર છ પર મંગળવારે રાતે 9.50 વાગ્યે આ ઘટના બની હતી. ઇન્દ્રાયણી એક્સપ્રેસ થાણે સ્ટેશન પરથી ઊપડી હતી ત્યારે ઝારખંડના રહેવાસી પુરુષોત્તમ પાસવાને ચાલતી ટ્રેનમાંથી ઊતરવાનો પ્રયાસ કર્યો હતો.
એ દરમિયાન પાસવાન સંતુલન ગુમાવી બેઠો હતો અને તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગૅપમાં પડી ગયો હતો. પરિણામે તેના બંને પગ કપાઇ ગયા હતા.આ ઘટના બાદ રેલવે પોલીસ અને અન્ય પ્રવાસીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને પાસવાનને તાત્કાલિક થાણે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જોકે પાસવાનને ગંભીર ઇજા થઇ હોવાથી તેને લોકમાન્ય ટિળક મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ (સાયન હોસ્પિટલ)માં ખસેડવામાં આવ્યો હતો. જીઆરપી આ પ્રકરણે તપાસ કરી રહી છે. (પીટીઆઇ)