Tue Aug 18 2026

Logo

કાંદિવલીનો જૈન સમાજનો તીરંદાજ દાદાના દેહાંતના ચાર દિવસ બાદ જીત્યો આઠ મેડલ અને બે ટ્રોફી

2026-08-06 19:24:00
Author: Ajay Motiwala
Article Image

11 વર્ષના પાનવ શાહે મુંબઈ મેયર કપમાં મહારાષ્ટ્રનું નામ રોશન કર્યું

અજય મોતીવાલા

મુંબઈઃ સામાન્ય રીતે ટૅલન્ટેડ અને બાહોશ ઍથ્લીટ કે ખેલાડીએ સાનુકૂળ સંજોગોમાં સંકલ્પશક્તિ તથા ભરપૂર આત્મવિશ્વાસથી ચંદ્રક જીતી લીધો હોય એવું આપણે ઘણી વખત જોયું છે, પરંતુ કાંદિવલી (પશ્ચિમ)માં રહેતા 11 વર્ષની ઉંમરના તીરંદાજ પાનવ કેતન શાહે તાજેતરમાં કપરી, દુખદ, પ્રતિકૂળ અને સંઘર્ષભરી પરિસ્થિતિમાં ચાર દિવસની અંદર જે થોકબંધ સિદ્ધિઓ મેળવી એ ઘટના અજોડ છે.

તેણે અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના સહાજી રાજે ભોસલે ક્રીડા સંકુલમાં આયોજિત મુંબઈ મેયર કપ નૅશનલ ફીલ્ડ ઇન્ડોર આર્ચરી ચૅમ્પિયનશિપ, 2025-'26ની મેડલ કાઉન્ટની હરીફાઈઓમાં કુલ ચાર ગોલ્ડ મેડલ, ચાર સિલ્વર મેડલ અને બે ટ્રોફી જીતીને જૈન સમાજનું, મુંબઈનું, મહારાષ્ટ્ર રાજ્યનું તેમ જ ભારતનું નામ રોશન કર્યું છે.

તેણે સાબિત કર્યું છે કે ખરો ચૅમ્પિયન તેને કહેવાય જે અનુકૂળ સંજોગોમાં જ નહીં, પણ સ્વજન ગુમાવ્યા પછીની આપત્તિની સ્થિતિમાં જીતીને તેમને આપેલું વચન પાળીને તેમને હૃદયપૂર્વક અંજલિ આપે અને અન્યો માટે પ્રેરણારૂપ બને.

વિશા શ્રીમાળી શ્વેતાંબર જૈન જ્ઞાતિનો અને મૂળ ઉત્તર ગુજરાતના પાટણનો પાનવ શાહ સાતમા ધોરણમાં ભણે છે અને તેણે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા આયોજિત મુંબઈ મેયર કપ નામની તીરંદાજી (આર્ચરી)ની રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાત સહિત 15થી વધુ રાજ્યોના પ્રતિસ્પર્ધીઓ વચ્ચે આ મુજબના ચંદ્રકો તથા ટ્રોફી પર કબજો કર્યો હતોઃ (1) નૅશનલ ડિવિઝનઃ કૅટેગરી-1 (અન્ડર-17)માં ઇન્ડિવિજ્યૂઅલમાં એક ગોલ્ડ મેડલ તથા ટીમ ઇવેન્ટમાં એક ગોલ્ડ મેડલ તેમ જ ઇન્ડિવિજ્યૂઅલમાં એક ટ્રોફી.

(2) કૅટેગરી-2 (અન્ડર-14)માં ટીમ ઇવેન્ટમાં એક ગોલ્ડ મેડલ અને ઇન્ડિવિજ્યૂઅલમાં એક સિલ્વર મેડલ. (3) મુંબઈ ડિવિઝનઃ કૅટેગરી-1 (અન્ડર-14)માં ઇન્ડિવિજ્યૂઅલમાં એક ગોલ્ડ મેડલ તથા ટીમ ઇવેન્ટમાં એક સિલ્વર મેડલ. (4) કૅટેગરી-2 (અન્ડર-17)માં ઇન્ડિવિજ્યૂઅલમાં એક સિલ્વર મેડલ અને ટીમ ઇવેન્ટમાં એક સિલ્વર મેડલ. (5) ઓવરઑલ વિનર `ટીમ મહારાષ્ટ્ર'ઃ ટ્રોફી વિજેતા.

મુંબઈ મેયર કપ આર્ચરી સ્પર્ધા 30મી જુલાઈથી બીજી ઑગસ્ટ સુધી યોજાઈ હતી. પાનવના પિતા કેતનભાઈએ `મુંબઈ સમાચાર'ને કહ્યું, `27મી જુલાઈએ મારા પિતાનું કોલકાતામાં દેહાંત થયું એના અગાઉના દિવસે (26મીએ) તેમણે પૌત્ર પાનવને આશીર્વાદ આપતા કહ્યું હતું કે મુંબઈની સ્પર્ધામાં ખૂબ સફળતાઓ મેળવજે અને ટૂર્નામેન્ટ પછી એના ફોટા શૅર કરજે.

જોકે મારા પિતાશ્રીનું 27મીએ અવસાન થયું એટલે અમે બધા શોકમગ્ન થઈ ગયા હતા. અમે બધા મારા પિતાશ્રીના અંતિમ સંસ્કાર માટે મુંબઈથી કોલકાતા ગયા હતા અને પાનવની ટૂર્નામેન્ટ હોવાથી પાછા મુંબઈ આવી ગયા હતા.'

કેતનભાઈએ પરિવાર પર આવી પડેલી આ આપત્તિની વાત કરતા વધુમાં કહ્યું, `30મી જુલાઈએ (ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે) પાનવની તબિયત સારી નહોતી. તેને 102 ફેરનહીટ તાવ હતો અને આંખમાં ઇન્ફેક્શન થયું હતું. અમે બધા વધુ ચિંતામાં મુકાઈ ગયા હતા, પરંતુ પાનવે ગજબના ધૈર્ય, સંકલ્પશક્તિ અને આત્મવિશ્વાસથી મુંબઈ મેયર કપમાં અસાધારણ પર્ફોર્મ કર્યું અને સિલસિલાબંધ ચંદ્રકો તથા ટ્રોફી જીતી લીધા હતા. તે પહેલી વખત એક ટૂર્નામેન્ટમાં આટલા બધા ચંદ્રકો જીત્યો છે. તેણે આ સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સથી તેના દાદાજીને પરફેક્ટ અંજલિ આપી છે.'

પાનવ શાહ ચાર વર્ષમાં તીરંદાજીમાં સ્થાનિકથી માંડીને રાષ્ટ્રીય સ્તર સુધીમાં કુલ 20 ગોલ્ડ મેડલ, છ સિલ્વર મેડલ અને છ બ્રૉન્ઝ મેડલ તેમ જ ટ્રોફીઓ જીત્યો છે અને આંતરરાષ્ટ્રીય ફલક પર પણ મોટી સફળતાઓ મેળવવા મક્કમ છે.