Mon Oct 05 2026

Logo

પાકિસ્તાન અમેરિકા પાસેથી ડ્રોન ખરીદવાની તૈયારીમાં, ટ્રમ્પ કનેક્શન પ્રકાશમાં આવ્યું

islamabad   2026-09-17 16:27:51
Author: Chandrakant Kanoja
પાકિસ્તાન અમેરિકા પાસેથી ડ્રોન ખરીદવાની તૈયારીમાં, ટ્રમ્પ કનેક્શન પ્રકાશમાં આવ્યું

ઇસ્લામાબાદ: અમેરિકાની કંપની પાકિસ્તાનને ડ્રોન વેચવાની છે. આ અંગે ડીલ પણ કરવામાં આવી છે.  જેમાં અમેરિકાની  કંપની પાવર્સે પાકિસ્તાની સેના સાથે આ અંગે કરાર કર્યો છે. કંપનીના સહ-સ્થાપક બ્રેટ વેલિકોવિચે જણાવ્યું હતું કે આ કરારમાં ડ્રોન માટેના પ્રારંભિક ઓર્ડરનો સમાવેશ થાય છે.

પાવર અસે ગ્રીનવે હોલ્ડિંગ્સ નામની કંપની સાથે મર્જ થવાની તૈયારીમાં

આ ડીલનું મહત્વનું પાસું એ પણ છે કે, પાવર્સ  ગ્રીનવે હોલ્ડિંગ્સ નામની કંપની સાથે મર્જ થવાની તૈયારીમાં છે. આ બંને કંપનીઓના જણાવ્યા અનુસાર, આ સોદો ઓક્ટોબરની શરૂઆતમાં થઈ શકે છે.

ઓરિયસ ગ્રીનવે હોલ્ડિંગ્સમાં ટ્રમ્પના પુત્રોની ભાગીદારી 

જયારે અમેરિકાના રાષ્ટ્રપતિ  ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પ, ઓરિયસ ગ્રીનવે હોલ્ડિંગ્સમાં હિસ્સો ધરાવે છે. યુએસ ફાઇલિંગ સૂચવે છે કે તેમનો હિસ્સો અમેરિકન વેન્ચર્સ નામના રોકાણ ભંડોળ દ્વારા રાખવામાં આવ્યો છે. આ મર્જર પછી આ ભંડોળ નવી કંપનીમાં આશરે 9.9 ટકા હિસ્સો ધરાવશે તેવી ધારણા છે. 

ડીલ અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી

આ ડીલ અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી. તેમજ  સુરક્ષાના કારણોસર બ્રેટ વેલિકોવિચે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ કરારમાં માનવરહિત ડ્રોનનો સમાવેશ થાય છે. પાવર્સ કંપની  એવા ડ્રોનનું ઉત્પાદન કરે છે જે હવા અને સમુદ્રમાં કાર્ય કરવા સક્ષમ છે.

કરારનો ટ્રમ્પના પુત્રો સાથે કોઈ સંબંધ નથી

પાવર્સે જણાવ્યું છે કે કંપનીને આપવામાં આવેલા કરારનો ટ્રમ્પના પુત્રો સાથે કોઈ સંબંધ નથી. ટ્રમ્પના પુત્રો તેના રોજિંદા કામકાજમાં સામેલ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પ્રવક્તાએ પણ કહ્યું હતું કે પાવર્સની વ્યવસાયિક પ્રવૃત્તિઓ કે કરાર મેળવવાની પ્રક્રિયામાં તેમની કોઈ ભૂમિકા નથી. તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાન સાથેના આ સોદા વિશે ટ્રમ્પ જુનિયરને અગાઉથી કોઈ જાણકારી નહોતી.