ઇસ્લામાબાદ: ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની માઠી બેસી ગઈ હોય તેમ લાગી રહ્યું છે, કારણ છે કે પાડોશી દેશ સાથેના સૈન્ય ઓપરેશનમાં માર ખાવાનો વારો આવી રહ્યો છે. ભારત સાથેના સંઘર્ષ બાદ હવે અફઘાનિસ્તાન સાથે પાકિસ્તાન માથા ફોડી રહ્યું છે. હાલ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ તણાવ વધી રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે તાલિબાને પાકિસ્તાનના અનેક મહત્વના સૈન્ય મથકો પર હુમલો કર્યો છે, જેમાં રાવલપિંડી સ્થિત નૂર ખાન એરબેઝનો પણ સમાવેશ થાય છે. આ એ જ એરબેઝ છે કે જેને ઓપરેશન સિંદૂર વખતે ભારે નુકસાન પહોંચ્યું હતું.
મળતી વિગતો અનુસાર, અફઘાન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેના દ્વારા તાજેતરમાં કાબુલ અને બાગરામ પર કરવામાં આવેલા હવાઈ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. મંત્રાલયે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન ફરીથી અફઘાનિસ્તાનની આકાશી મર્યાદાનું ઉલ્લંઘન કરશે તો તેને વધુ કરારો અને જડબાતોડ જવાબ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મે ૨૦૨૫ માં ભારતે પણ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં 'ઓપરેશન સિંદૂર' હેઠળ આ જ નૂર ખાન એરબેઝ પર એટેક કર્યો હતો, જે બાદ ત્યાં સમારકામની કામગીરી ચાલતી હોવાના અહેવાલો આવ્યા હતા.
બીજી તરફ, પાકિસ્તાને પણ આ હુમલાઓ સામે વળતો પ્રહાર શરૂ કર્યો હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાને જણાવ્યું હતું કે, પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા શરૂ કરાયેલા 'ગજબ લિલ હક' અભિયાનમાં અત્યાર સુધીમાં ૪૧૫ અફઘાન તાલિબાન લડાયકો માર્યા ગયા છે અને ૫૮૦ થી વધુ ઘાયલ થયા છે. પાકિસ્તાનનો દાવો છે કે તેઓએ અફઘાનિસ્તાનની ૧૮૨ ચોકીઓનો નાશ કર્યો છે અને ૩૧ ચોકીઓ પર કબજો મેળવી લીધો છે, જેમાં ૧૮૫ ટેન્ક અને બખ્તરબંધ વાહનો પણ તબાહ કરવામાં આવ્યા છે.
હાલમાં બંને દેશો વચ્ચેની સરહદ પર ભારે ગોળીબાર અને હવાઈ હુમલા ચાલુ છે. પાકિસ્તાનના સંસદીય બાબતોના સંઘીય પ્રધાને પુષ્ટિ કરી છે કે અફઘાન તાલિબાન વિરુદ્ધ તેમનું સૈન્ય ઓપરેશન હજુ પણ ગતિમાં છે. અફઘાનિસ્તાને દાવો કર્યો છે કે આ પ્રહારથી પાકિસ્તાની સૈન્ય મથકોમાં ભારે તબાહી સર્જાઈ છે. બંને દેશો વચ્ચે વધતા જતા આ સંઘર્ષે દક્ષિણ એશિયાના રાજકારણમાં ભારે ચિંતા જન્માવી છે.