પ્રફુલ શાહ
નીલ્સ હોલ્ક-પીટર બ્લીચ
પુરુલિયા આર્મ્સ ડ્રોપ પછી તપાસમાં આનંદ માર્ગ સાથે સંકળાયેલા કેટલાક લોકો અને સંસ્થાઓ અંગે તપાસ કરવામાં આવી હતી. હથિયારોનો ઉપયોગ આનંદ માર્ગના અનુયાયીઓ દ્વારા પશ્ર્ચિમ બંગાળની તત્કાલીન ડાબેરી સરકાર સામે સશસ્ત્ર પ્રવૃત્તિ માટે થવાનો હતો એવો આરોપ હતો.
પરંતુ અહીં ખૂબ સ્પષ્ટ ભેદ સમજવો જરૂરી છે. પુરુલિયા આર્મ્સ ડ્રોપ પાછળ આખું આનંદ માર્ગ સંગઠન હતું એવું કોર્ટ દ્વારા સાબિત થયું નથી. ખુદ આનંદ માર્ગે પણ આ પ્રકારના આરોપોને નકાર્યા હતા. અરે, ડેનમાર્કની અદાલતી કાર્યવાહી દરમિયાન પણ આનંદ માર્ગની સીધી રીતે સંડોવણીનો સ્વીકાર થયો નહોતો. આથી હથિયારો ખરેખર કોના માટે લવાયાં હતાં એ સવા લાખનો સવાલ કાયમ માટે અનુત્તર રહ્યો.
હવે જોઈએ કે પુરુલિયા આર્મ્સ ડ્રોપ કાંડનાં મુખ્ય પાત્રો કોણ હતાં? આ કેસના સૌથી રહસ્યમય પાત્રનું મૂળ નામ નીલ્સ હોલ્ક. તે ભારતમાં કિમ ડેવી તરીકે પણ ઓળખાયો. તે ડેનમાર્કનો નાગરિક છે. તેને 1995ના કુખ્યાત પુરુલિયા આર્મ્સ ડ્રોપ કેસના મુખ્ય આરોપી સાથે માસ્ટરમાઇન્ડ પણ ગણાવાયો હતો. નીલ્સ હોલ્કે સ્વીકાર્યું હતું કે તે શસ્ત્રો ફેકનારા રશિયન કાર્ગો પ્લેનમાં હાજર હતો. આ ઘટના બાદ જ્યારે પ્લેનને મુંબઈમાં પકડવામાં આવ્યું, ત્યારે અન્ય સહ-આરોપીઓ પકડાઈ ગયા હતા, પરંતુ નીલ્સ હોલ્ક ચતુરાઈથી નેપાળ થઈને ડેનમાર્ક પહોંચી ગયો હતો. આટલા ગંભીર અને સનસનાટીભર્યા કેસનો આંતરરાષ્ટ્રીય આરોપી મુંબઈથી કેવી રીતે ભાગી ગયો?
કોઈકે તો મદદ કરી જ હોય. પાછો સલામતપણે નેપાળ ગયો ને ડેનમાર્ક પણ. ભારતના બધા તંત્ર નિષ્ફળ રહ્યા, સંપૂર્ણપણે અને શર્મનાક રીતે.
ભારત સરકાર છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી નીલ્સ હોલ્કને ટ્રાયલ માટે ભારત લાવવા પ્રત્યાર્પણ કરવા માટે ડેનમાર્ક સરકાર સાથે કાનૂની લડાઈ લડી રહી છે. પરંતુ ડેનમાર્કની અદાલતોએ ભારતની આ વિનંતીને વારંવાર ફગાવી દીધી છે. ત્યાંની અદાલતોનું માનવું છે કે જો હોલ્કને ભારત મોકલવામાં આવશે, તો ત્યાં જેલોની સ્થિતિ અને માનવ અધિકારોના ઉલ્લંઘનનું જોખમ હોઈ શકે છે, જે યુરોપિયન માનવ અધિકાર ક્ધવેન્શનની વિરુદ્ધ છે.
પુરુલિયા આર્મ્સ ડ્રોપ કાંડનું બીજા મહત્ત્વના મુખ્ય પાત્રનું નામ પીટર બ્લીચ. આ બ્રિટિશ નાગરિક હથિયારના આંતરરાષ્ટ્રીય વેપાર સાથે સંકળાયેલો હતો. તે પણ શસ્ત્રો લાવનારા અને ફેંકનારા વિમાનમાં હતો અને તેની ધરપકડ થઈ હતી. બ્લીચ સતત દાવો કરતો રહ્યો કે આખી ઘટનાની પાછળ જે દેખાય છે તેના કરતાં ઘણું મોટું ષડયંત્ર હતું.
2000માં કોલકાતાની અદાલતે તેને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
શસ્ત્રો લાવનારા અને ફેંકનારા રશિયન વિમાનમાં ક્રૂ પણ વિદેશી હતા. હા, આ વિમાનનું સંચાલન લાતવિયન ક્રૂ કરી રહ્યું હતું. વિમાન સાથે પકડાનારા હતા ઈગોર મોસ્ક્વીટીન, ઈગોર ટીમરમેન, ઓલેગ ગૈદાસ, એલેકઝાન્ડર ક્લીચીન અને ઈવ્ગ્યુની એન્ટીમેન્કો. તેમને પણ પીટર બ્લીચ સાથે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને આજીવન કેદની જ સજા થઈ હતી.
જો કે ત્યાર બાદ પછી લાતવિયા અને રશિયા તરફથી રાજદ્વારી દખલ અને અન્ય કારણોસર તેમને મુક્ત કરાયા હતા.
અહીં એક સવાલ થવો જ જોઈએ કે લાતવિયા અને રશિયાના હસ્તક્ષેપને લીધે ભારતે આવા ભયંકર ગુનાના દોષિતોને શા માટે છોડી દીધા? અને ભારત પોતાના અને મિત્ર રાષ્ટ્રો તરફથી આવું રાજદ્વારી દબાણ ડેન્માર્ક પર કેમ ઊભું ન કરી શક્યું? માનવા ખાતર માની લઈએ કે ભલેને પશ્ર્ચિમ બંગાળ સરકારને ટાર્ગેટ કરાઈ હોય પણ આ દેશ વિરોધી કાવતરું જ હતું, જેમાં વિદેશી, વિમાન, શસ્ત્રો અને ખલનાયકો હતા. શું ભારત બધે મોરચે ઊંધે માથે પડ્યું કે અન્ય કોઈ કારણો હતાં, એ આત્મ નિરીક્ષણની બાબત છે.
(ક્રમશ:)