Wed Aug 19 2026

Logo

વન-ડે વર્લ્ડ કપ વિશે આવ્યું અપડેટ...જાહેર થઈ ગઈ આ તારીખો

2026-08-05 17:17:29
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ આવતા છ-સાત મહિનામાં ભારતીય ક્રિકેટરોની શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, ન્યૂ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે સહિત ઘણા દેશો સામે નાની-મોટી દ્વિપક્ષી શ્રેણીઓ રમાવાની છે, પણ સૌની નજર સવા વર્ષ પછી (ઑક્ટોબરમાં) સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં સંયુક્ત રીતે યોજાનારા વન-ડેના વર્લ્ડ કપ (WC) પર છે અને એ વિશેની કેટલીક ઉપયોગી જાણકારી બહાર આવી છે. આ એ વર્લ્ડ કપ છે જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા બે દિગ્ગજ રમશે એવી સંભાવના છે એટલે ભારતીયોનો રસ એમાં વધી રહ્યો છે.

2027ના ઓડીઆઇ (વન-ડે ઇન્ટરનૅશનલ) વર્લ્ડ કપ પહેલાં ક્વૉલિફાઇંગ મૅચો રમાશે જેની તારીખ જાહેર થઈ છે. જોકે એ મૅચો ક્યાં રમાશે એ નક્કી થવાનું હજી બાકી છે. એક વાત નક્કી છે કે એ વર્લ્ડ કપમાં કઈ-કઈ ટીમો રમશે ખાસ તો એના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

આઇસીસીએ નક્કી કર્યું છે કે ક્વૉલિફાઇંગ (QUALIFYING) મૅચો આગામી ફેબ્રુઆરી-માર્ચ દરમ્યાન રમાશે. આ રાઉન્ડનું આઇસીસીએ જાહેર કરેલું ફૉર્મેટ રોમાંચક છે. ક્વૉલિફાઇંગ રાઉન્ડ બાવીસમી ફેબ્રુઆરીથી 23મી માર્ચ સુધી (લગભગ એક મહિના સુધી) રમાશે. એના પરથી સ્પષ્ટ થઈ જશે કે વર્લ્ડ કપમાં અગાઉથી જ રૅન્કિંગને આધારે સ્થાન મેળવી ચૂકેલી મુખ્ય ટીમો સાથે બીજી કઈ ટીમો ભાગ લેશે. વર્લ્ડ કપ ચોથી ઑક્ટોબરથી 11મી નવેમ્બર સુધી રમાશે. વિશ્વ કપની મૅચો કુલ 12 સ્ટેડિયમોમાં રમાશે.

વર્લ્ડ કપમાં કુલ 14 દેશની ટીમ ભાગ લેશે. જોકે એ પહેલાં, ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં 10 દેશની ટીમ ભાગ લેશે. અહીં સવાલ એ છે કે કઈ 10 ટીમ ક્વૉલિફાય થશે? જવાબ એ છે કે આઇસીસી વન-ડે રૅન્કિંગમાં જે ટીમો 30મી સપ્ટેમ્બર, 2026ના રોજ ટોચના આઠ સ્થાને હશે એ સીધી વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે. પછીના બે ક્રમની ટીમે ક્વૉલિફાયર રમવી પડશે. એમાં જીતનારી ટીમ સીધી બીજા રાઉન્ડમાં પહોંચી જશે, જ્યારે સાઉથ આફ્રિકા તથા ઝિમ્બાબ્વેને યજમાન હોવા બદલ સીધો પ્રવેશ મળશે.

સુપર સિરીઝ તરીકે ઓળખાનારા ફૉર્મેટના હિસ્સામાં સૌથી નીચલા ક્રમની ત્રણ ટીમ ટૂંકા રાઉન્ડ-રૉબિનમાં ભાગ લેશે. એમાં વિજેતા થનારી ટીમ મુખ્ય દેશોના ગ્રૂપમાં જોડાશે અને બાકીની બે પરાજિત ટીમ સ્પર્ધાની બહાર ફેંકાઈ જશે. એ સાથે 12 દેશ નક્કી થઈ જશે. એ 12 દેશને બે ગ્રૂપમાં વહેંચી નાખવામાં આવશે. આ તમામ ટીમો વચ્ચે રાઉન્ડ-રૉબિન તબક્કામાં કુલ 30 મૅચ રમાશે. બન્ને ગ્રૂપની ટોચની ત્રણ-ત્રણ ટીમ અને ચોથા નંબરની બેસ્ટ ટીમ આગળના રાઉન્ડમાં જશે. હવે કુલ સાત ટીમ વચ્ચે સિંગલ રાઉન્ડ-રૉબિન યોજાશે જેમાં 21 મૅચો રમાશે અને એમાં ટોચના ચાર સ્થાને રહેનારી ટીમ સેમિ ફાઇનલમાં જશે. સેમિમાં પ્રથમ નંબરની ટીમનો મુકાબલો ચોથા નંબરની ટીમ સામે અને બીજા ક્રમની ટીમનો ત્રીજા ક્રમની ટીમ વિરુદ્ધ થશે. એમાં જીતનારી બે ટીમ વચ્ચે 11મી નવેમ્બરે ફાઇનલ રમાશે.