Mon Sep 28 2026

Logo

કચ્છના છારીઢંઢ રામસર સાઇટ નજીક હાઇબ્રિડ એનર્જી પ્રોજેક્ટ સામે એનજીટી લાલઘૂમ, સરકારને નોટિસ

2026-09-24 14:55:00
Author: Mumbai Samachar Team
કચ્છના છારીઢંઢ રામસર સાઇટ નજીક હાઇબ્રિડ એનર્જી પ્રોજેક્ટ સામે એનજીટી લાલઘૂમ, સરકારને નોટિસ

ભુજઃ વિદેશી પક્ષીઓના સ્વર્ગ અને આંતરરાષ્ટ્રીય રામસર દરજ્જો ધરાવતી કચ્છની એકમાત્ર ‘છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ’ની લગોલગ આકાર લઈ રહેલા વિન્ડ-સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ સામે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કડક વલણ અખત્યાર કર્યું છે. પક્ષીઓના અસ્તિત્વ અને પર્યાવરણ સામે ગંભીર જોખમ ઊભું થતું હોવાની અરજી ગ્રાહ્ય રાખી એનજીટીની પશ્ચિમ ઝોન (પૂણે) બેન્ચે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર તેમજ એનટીપીસી રિન્યૂએબલ એનર્જી લિમિટેડ સહિતના તમામ પક્ષકારોને કારણદર્શક નોટિસ ફટકારી છે.

મંજૂરીઓ રદ કરવાની માંગ
નરોત્તમ આહીર સહિતના સ્થાનિક પર્યાવરણપ્રેમીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી મૂળ અરજીમાં નખત્રાણા તાલુકાના ફુલાય ગામના સર્વે નંબર 60/પૈકી-1 પર એનટીપીસી કંપનીને 40 વર્ષના ભાડાપટ્ટે અપાયેલી આશરે 512 હેક્ટર જમીનની મંજૂરીઓ રદ કરવાની માગ કરાઈ છે. અરજદારો વતી દલીલ કરવામાં આવી હતી કે આ સ્થળ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી છારીઢંઢ રામસર સાઇટના સંવેદનશીલ ઇકોલોજીકલ પ્રભાવ ક્ષેત્રમાં આવે છે. અરજીમાં બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના અહેવાલનો સંદર્ભ આપતાં જણાવાયું છે કે, દર વર્ષે લાખો યાયાવર પક્ષીઓ આ જળાશયમાં પ્રજનન, ખોરાક અને રહેઠાણ માટે આવે છે. રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ માટે વન વિભાગની વિધિવત મંજૂરી મેળવ્યા વિના જ વિશાળ ઘાસિયા મેદાનો સાફ કરી નાખવામાં આવ્યા છે અને ભારે વાહનો માટે રસ્તા બનાવવાનું કામ શરૂ કરી દેવાતાં પક્ષીઓના કુદરતી આવાસને મોટું નુકસાન પહોંચ્યું છે.

વેટલેન્ડ તરીકે માન્યતા મળી હતી
ટ્રિબ્યુનલના આદેશમાં ઉલ્લેખ કરાયો છે કે, છારીઢંઢને વર્ષ 2008માં ગુજરાતનું સૌપ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ ઘોષિત કરાયું હતું અને ગત 16 જૂન 2025 ના રોજ તેને રામસર કન્વેન્શન હેઠળ વૈશ્વિક મહત્વની વેટલેન્ડ તરીકે માન્યતા મળી હતી. ન્યાયિક સભ્ય ન્યાયાધીશ દિનેશકુમાર સિંહ અને નિષ્ણાત સભ્ય ડૉ. સુજિતકુમાર બાજપેયીની ખંડપીઠે નોંધ્યું હતું કે, અરજીમાં પર્યાવરણ અને જૈવવિવિધતાની સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ અને ગંભીર પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે. વેટલેન્ડ્સના સંરક્ષણ અને વ્યવસ્થાપનના નિયમો ૨૦૧૭ની લાગુ પડવાની કાયદાકીય ક્ષમતાનો નિર્ણય અંતિમ સુનાવણી વખતે લેવાશે. 

વધુ સુનાવણી ક્યારે?
અરજદારો દ્વારા હાલ ચાલી રહેલા બાંધકામ સામે તાત્કાલિક વચગાળાની મનાઈહુકમ આપવાની માંગણી કરાઈ હતી. જોકે, અદાલતે તમામ પ્રતિવાદીઓનો પક્ષ સાંભળ્યા બાદ જ વચગાળાની રાહત પર વિચાર કરવાનું સ્પષ્ટ કરી, કેન્દ્ર-રાજ્ય સરકાર અને પ્રોજેક્ટ સંચાલક કંપનીને 4 અઠવાડિયાની અંદર સોગંદનામા પર વિસ્તૃત ઉત્તર રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ ચકચારી મામલાની વધુ સુનાવણી આગામી 28 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.

ઉત્સવ વૈદ્ય