Thu Mar 12 2026

Logo

નોર્વેના ઓસ્લો એરપોર્ટ પર ધીરજની કસોટી...

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

 

અરાઉન્ડ ધ વર્લ્ડ - પ્રતીક્ષા થાનકી

પ્રવાસ કરવાનો પ્રકાર ભલે બદલાય, ફરવાની હવે કોઈ નવાઈ નથી રહી. એટલું જ નહીં, ફરવા માટેનાં કારણોનું લિસ્ટ છેલ્લા બે દશકોમાં ઘણું લાંબું બની ગયું છે. એવામાં થોડા થોડા સમયે તપાસી લઉં છું કે ફરવા માટેનું કોઈ કારણ એ તો નથી ને કે સોશ્યલ મીડિયા પર નવા ફોટા કે રીલ્સ શેયર કરવાનો સમય થઈ ગયો છે. છેલ્લાં બે વર્ષમાં તો એ પણ સાવ મર્યાદિત કરી દીધું છે. એઆઇ-સ્લોપને મારે મારી અંગત જિંદગીની તસવીરો નથી આપવી. અને બાકી હવે તમે જે પણ સ્મારક, પહાડ, બીચ પર જઈને કોઈ ફોટો પાડશો એ જ ફોટો એ જ દિવસે હજારો લોકોએ પાડ્યો જ હોય છે. તેમાં હવે કશું નવું નથી રહૃુાં. તો ફોટો પાડવો હોય તો તે પણ પોતાના સંતોષ માટે કે પછી પોતાની ફોટોગ્રાફીની ટેક્નિક સુધારવા માટે કે અંગત યાદગીરી માટે હોઈ શકે. ફોટાની નવીનતાનો યુગ તો હવે ક્યાંય પૂરો થઈ ગયો છે. દરેક ટ્રિપના કમસેકમ દોઢ-બે હજાર ફોટા અને મોટી સંખ્યામાં વીડિયો પણ સંઘરાયા કરે છે. એમાંથી ક્યારેક દેશ મુજબ કે પછી પ્રસંગ મુજબ આલબમ્સ બનાવવાની વાતો તો થાય છે, પણ અંતે ગમે તે કરો જિંદગીમાં સમય ઓછો પડ્યા કરે છે. એ વાતની ચર્ચા  ગંભીરતાથી કરવા માટે અમે ફરી એકવાર અમારા મનપસંદ ટ્રાવેલ પાર્ટનર જીગર, આનલ અને આર્યાને મળવા નોર્વે જઈ રહૃાાં હતાં. 

આ ત્રણેયને લગભગ દર વર્ષે કોઈ ને કોઈ કારણસર દુનિયાના કોઈ ખૂણે મળવાનો પ્લાન થયા કરે છે. ફરવા માટેનું એ કારણ પણ મજાનું લાગે છે. ઇટાલીમાં કિયાન્ટીમાં આર્યા લોરેન્સમાં તેની ઢીંગલીની પ્રામને ધકેલતી કોબલ્ડ સ્ટ્રીટ્સ પર સાંકડી ફૂટપાથ પર ચાલતી હતી તે યાદ છે. હવે તો તે ટીનએજર થઈ ગઈ છે અને મજાની વાત એ છે કે નોર્વે જાણે હું એકદમ શાંત કોન્ફિડન્સ સાથે દુનિયાની ફિકર ન કરવાનું તેની પાસેથી શીખવા ગઈ હોય તેવું લાગતું હતું. જાપાનથી આવીને જરા ટ્રાવેલ ફેટીગ આવેલો. એવામાં લાંબો સમય ક્યાંય લાંબી ટ્રિપ માટે ન જવું એમ વિચારેલું. એ વિચાર બે મહિના ટક્યો. પછી અમે સમરમાં મિત્રો સાથે નોર્વે ખૂંદવા ઓસ્લો જતી ફ્લાઇટ માટે બુક્ડ હતાં. જોકે તે ટ્રિપનો પહેલો દિવસ તો જાણે તેને કાળો દોરો બાંધવાની જરૂર હોય તેમ શરૂ થયો હતો. 

અમારી ફ્લાઇટ આમસ્ટરડામમાં ટચૂકડા લે-ઓવર સાથેની હતી, પણ કેએલએમએ આગલી રાત્રે મેસેજ કર્યો કે અમારી વહેલી સવારની ફ્લાઇટ કેન્સલ થઈ છે અને અમને લુફ્થાન્ઝાની ડાયરેક્ટ ફ્લાઇટમાં બુક કરી દેવામાં આવ્યાં છે. હવે એમાં તો અમને વાંધો ન હતો, પણ એરપોર્ટ પહોંચ્યા પછી ખબર પડી કે અમે પહેલાં જે ફ્લાઇટમાં ચેક-ઇન લગેજ ખરીદેલો તે આમાં નહીં મળે, અહીં ચેક-ઇન લગેજ અલગથી ખરીદવો પડશે. ફરવા નીકળો પછી આવું તો થયા કરે એમ વિચારીને અમે તે સ્ટેપ પર જરા પણ અકળાયા વિના આગળ ચાલ્યાં. લાઉન્જમાંથી જીગર લોકોની ફ્લાઇટ ચેક કરી. અમે બધાં એક સાથે ઓસ્લો એરપોર્ટ પર ત્યાંની સવારના સાડા દસ સુધીમાં પહોંચીને કાર રેન્ટ કરીને સ્ટાવાન્ગર તરફ આગળ ચાલીશું એવો પ્લાન હતો. હવે એ પ્લાન સાથે ઘણું બધું ખોટું થઈ શકે, પણ અમે હજી અંધારામાં હતાં. અમારી ફ્લાઇટ દસ વાગ્યે લેન્ડ થઈ, અને અમે રેન્ટલ કાર બૂથ પર પહોંચી ગયાં. નજીકમાં બ્રન્ચ માટેનાં કાફે સર્ચ કરી લીધાં અને જોયું કે તેમની ફ્લાઇટ ત્રણ કલાક લેટ છે. 

અમારા માટે હવે લંચ ટાઇમ જ થઈ જવાનો હતો. અમે વેઇટિગ એરિયામાં જઈને પાર્ક થયાં. કોફી અને સેન્ડવિચ સાથે અમે થોડું ફોન પર નેટફિક્સ, થોડું વાંચવાનું, થોડું ઝોકાં ખાવાનું, બધું કરવામાં પૂરતું બેલેન્સ કરીને ટાઇમ પાસ કર્યો. ઓસ્લો એરપોર્ટ પર જેટલું પણ પીપલ-વોચિંગ થઈ શકે તે પણ અમે કર્યું. ત્યાં મોટી સંખ્યામાં ટૂરિસ્ટ પોતાની સાઇકલ ચેક-ઇન કરાવીને અથવા માટી હાઇકિગ બેકપેક લઈને આવતાં દેખાયાં. અમે પણ હાઇકિગ બેકપેક તો લાવેલાં જ. અહીંનો સમર આમ પણ ઘણો ટૂંકો અને માંડ હૂંફાળો હોય છે. એક સમયે તો અમે લોકોનાં વિન્ડશીટર રેન્ક કરવાની ગેમ પણ ચાલુ કરી ચૂક્યાં હતાં. ત્રણ કલાક આમ તો ક્યાંય પૂરા થઈ ગયા, પણ તે સમયે લાગ્યું હતું કે જાણે આખો દિવસ ત્યાં જ રહી ગયાં. આખરે મિત્રોની ફ્લાઇટ લેન્ડ થઈ હોવાનું નોટિફિકેશન આવ્યું. અમે ફરી પાછાં રેન્ટલ કાર પાસે જઈને કાર લેવાની પ્રોસેસ ચાલુ કરવાની તૈયારીમાં હતાં ત્યાં જીગરનો ફોન આવ્યો. એમની બેગ નથી આવી. 

હવે અમે ફરી પાછાં અલગ જગ્યાએ પાર્ક થવા ગયાં. થોડી વારમાં તેનો ફરી ફોન આવ્યો, તેમની બેગ બીજું કોઈ લઈને જતું રહૃુાં છે. જો એ લોકો બહાર નીકળી જશે તો એરપોર્ટ અને એરલાઇન તેમને તેમનાં એડે્રસ પર બેગ મોકલી આપવાની જવાબદારી લેતું હતું, પણ એરલાઇન સ્ટાફે ઓલરેડી ટે્રક કરી લીધું હતું કે એક ફેમિલી તેમની બેગના બદલે જીગરની બેગ લઈને જતું રહ્યું હતું. બંને બેગ્સ સરખી જ દેખાતી હતી. તેમની બેગ પર નોર્વેનો લોકલ ફોન નંબર પણ હતો એટલે ટે્રક થઈ શક્યું કે એ લોકો હવે ઓસ્લોથી બર્ગ્ોન જવા નીકળી ચૂક્યાં હતાં. તેમની ટે્રનનું નેક્સ્ટ સ્ટેશન આવશે પછી એ વળતી ટે્રન લઈને પાછાં એરપોર્ટ આવશે. હવે એ સમયે સ્ટાફ અમને બેગ અમારી હોટલ પર મોકલે તેના બદલે અમે એ જ નક્કી કર્યું કે હવે ભલે એરપોર્ટ પર વધુ થોડા કલાકો થાય, પૂરા સામાન સાથે જ આગળ જઈશું. એ લોકો બેગ ન આવે ત્યાં સુધી બહાર નીકળી શકેે તેમ ન હતાં. અમે ફરી પાછાં પાર્ક થયાં અને વળી પાછાં નોર્વેના વાઇબને એરપોર્ટમાં બેઠાં બેઠાં કેચ કરવાની ટ્રાય કરવા લાગ્યાં.   

આખરે વધુ બે કલાક પછી મિત્રો મળ્યાં અને પાંચ કલાકની એરપોર્ટની બેઠક યાદ પણ ન આવી. ઓસ્લો એરપોર્ટ એટલા કલાકોમાં ઘર જેવું લાગવા માંડ્યું હતું. અને સ્ટાવાન્ગર તરફ ગાડી ચાલી પછી તો થોડા દિવસોમાં આખું નોર્વે ઘર જેવું લાગવા માંડવાનું હતું.