Mon Sep 07 2026

Logo

નોરા ફતેહીની મુશ્કેલીમાં વધારો, 'સરકે ચુનર તેરી સરકે' ગીત પર મહિલા આયોગ એક્શનમાં...

2026-03-19 20:27:00
Author: Darshana Visaria
નોરા ફતેહીની મુશ્કેલીમાં વધારો, 'સરકે ચુનર તેરી સરકે' ગીત પર મહિલા આયોગ એક્શનમાં...

બોલીવૂડ એક્ટર સંજય દત્ત અને નોરા ફતેહીની આગામી ફિલ્મ 'કેડી: ધ ડેવિલ' ના ગીત 'સરકે ચુનર તેરી સરકે'નો વિવાદ શમવાનું નામ જ નથી લઈ રહ્યો. તાજેતરમાં જ નોરા ફતેહીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરીને આ બાબતે સ્પષ્ટતા કરી હતી. પરંતુ આ ગીતને લઈને વિવાદ વધુ વકર્યો છે. આ ગીતમાં દેખાડવામાં આવેલી અશ્લીલતા અને વાંધાજનક શબ્દોના ગંભીર આક્ષેપો બાદ હવે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પણ આકરા પગલાં લેવામાં આવ્યા છે. 

આગામી ફિલ્મ 'કેડી: ધ ડેવિલ' ના ગીત 'સરકે ચુનર તેરી સરકે'માં ફિલ્માવાયેલા વાંધાજનક દ્રશ્યો અને શબ્દો સામે આકરા પગલાં લેતાં નેશનલ કમિશન ફોર વુમન દ્વારા બોલીવૂડ એક્ટર સંજય દત્ત, ડાન્સર નોરા ફતેહી અને 'કેડી: ધ ડેવિલ'ની આખી ટીમને સમન્સ મોકલવામાં આવ્યું છે. આ ગીત વિરુદ્ધ મળતી સતત ફરિયાદોને આધારે આ પગલું લેવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. 

આખો વિવાદ શું છે એ વિસે વાત કરવાની થાય તો ફરિયાદીઓનો એવો આક્ષેપ છે કે ગીતના બોલ, કોરિયોગ્રાફી અને દ્રશ્યો અત્યંત અશ્લીલ છે, જે સમાજ અને ખાસ કરીને બાળકો પર નકારાત્મક અસર કરી શકે છે. ગીતને લઈને થયેલો વિવાદ એટલો વકરી ગયો હતો કે મેકર્સે ટ્રોલિંગ અને વિરોધને કારણે આ ગીત યૂટ્યુબ પરથી હટાવી લેવું પડ્યું છે.

સેન્સર બોર્ડે (CBFC) આ ગીત સાથેનો છેડો ફાડતાં એવી સ્પષ્ટતા કરી હતી કે તેમણે આ ગીતના હિન્દી વર્ઝનને કોઈ પ્રમાણપત્ર આપ્યું નથી. જ્યારે નોરાએ પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું છે કે આ ગીત ત્રણ વર્ષ પહેલાં કન્નડ ભાષા માટે શૂટ થયું હતું. તેને હિન્દી ભાષાનું જ્ઞાન ન હોવાથી અને ટ્રાન્સલેશનના ભરોસે હતી. મેકર્સે તેને સેટ પર જે ટ્રાન્સલેશન સંભળાવ્યું તેમાં તેને કોઈ અશ્લીલતા કે વાંધાજનક લાગ્યું નહોતું. 

આ સિવાય આ ગીતના લેખત રકીબ આલમે દાવો કર્યો છે કે તેમણે આ ગીત લખ્યું નથી, માત્ર ડાયરેક્ટરના કહેવા પર ટ્રાન્સલેટ કર્યું હતું અને એમાં તેમનો કોઈ જ સીધો સંબંધ નથી. ફિલ્મ 'કેડી: ધ ડેવિલ' ના ગીત 'સરકે ચુનર તેરી સરકે'ના ગીતના વિવાદનો મધપૂડો દિવસેને દિવસે વધુ છંછેડાતા નવા નવા વિવાદો અને ખુલાસાઓ સામે આવી રહ્યા છે.