વિશ્વપ્રસિદ્ધ નેપાળી પર્વતારોહી અને સોશિયલ મીડિયા પર લાખો ચાહકો ધરાવતા નિર્મલ પુર્જા (Nirmal Purja)નું પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર (PoK) સ્થિત કારાકોરમ પર્વતમાળાના બ્રોડ પીક (Broad Peak) પર આવેલા ભીષણ હિમસ્ખલનમાં નિધન થયું છે. હિમસ્ખલન બાદ બે દિવસથી તેમનો સંપર્ક સાધી શકાયો નહોતો. આજે તેઓ જે અભિયાન સાથે જોડાયેલા હતા તેના આયોજક 'એલિટ એક્સપેડ' (Elite Exped) દ્વારા સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જાહેર કરીને તેમના અવસાનની પુષ્ટિ કરવામાં આવી છે. આ દુઃખદ સમાચાર સામે આવતાં જ વૈશ્વિક પર્વતારોહણ જગત, તેમના લાખો ચાહકો અને સાહસપ્રેમીઓમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.

શું હતી સમગ્ર ઘટના?
43 વર્ષીય નિર્મલ પુર્જા બ્રોડ પીક સર કરવાના અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા હતા. ગુરુવારે બપોરે અભિયાન દરમિયાન અચાનક જોરદાર હિમસ્ખલન થતાં સમગ્ર ટીમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ અભિયાનમાં કુલ ૧૦ પર્વતારોહીઓ સામેલ હતા, જેમાં નેપાળના છ તેમજ પાકિસ્તાન, ઓમાન, અમેરિકા અને ચીનના એક-એક પર્વતારોહીનો સમાવેશ થતો હતો. પાકિસ્તાનના જાણીતા પર્વતારોહી સોહેલ સાખી પણ આ ટીમનો ભાગ હતા. હિમસ્ખલન બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ દુર્ભાગ્યવશ પુર્જાનો કોઈ પત્તો મળ્યો ન હતો અને અંતે 'એલિટ એક્સપેડ'એ તેમના મોતની પુષ્ટિ કરી હતી.
ઐતિહાસિક સિદ્ધિઓ અને નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરી:
નિર્મલ પુર્જાએ વર્ષ ૨૦૧૯ માં વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું, જ્યારે તેમણે માત્ર ૬ મહિનાથી થોડા વધુ સમયમાં ૮,૦00 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વિશ્વના તમામ ૧૪ શિખરો સર કરીને નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. તેમણે દક્ષિણ કોરિયાના પર્વતારોહી કિમ ચાંગ-હોનો સાત મહિનાનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો હતો. તેમની આ અદ્ભુત સિદ્ધિ પર આધારિત નેટફ્લિક્સની લોકપ્રિય ડોક્યુમેન્ટરી '૧૪ પિક્સ: નથિંગ ઇઝ ઇમ્પોસિબલ' (14 Peaks: Nothing Is Impossible) એ તેમને વૈશ્વિક સ્તરે અપ્રતિમ ખ્યાતિ અપાવી હતી. વ્યાવસાયિક પર્વતારોહી બનતા પહેલા તેમણે ૧૬ વર્ષ સુધી બ્રિટિશ સેનામાં પણ સેવા આપી હતી.
'એલિટ એક્સપેડ' અને નેપાળના વડાપ્રધાન સહિત વિશ્વભરના દિગ્ગજોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે નિર્મલ પુર્જાનું સાહસ, સમર્પણ અને યોગદાન ઇતિહાસમાં હંમેશાં અમર રહેશે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે.