કાઠમંડુઃ મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર દરેક દેશ પર થઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારતનો પાડોશી દેશ નેપાળ પણ તેમાં બાકાત નથી. આ યુદ્ધના કારણે નેપાળમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. નેપાળી સરકારનું કહેવું છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલા સતત ભાવ વધારાના કારણે નેપાળમાં પેટ્રોલ, ડીઝલ અને કેરોસિનના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 નેપાળી રૂપિયાનો વધારો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે નેપાળમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે 15 નેપાળી રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બુધવારે મોડી રાત્રે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરી હતી. યુદ્ધના કારણે દરેક વસ્તુમાં ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે, તેવામાં મોંઘવારી સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે.
પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 184.50 નેપાળી રૂપિયા થઈ
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવની વાત કરવામાં આવે તો, પ્રથમ શ્રેણીના પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 184.50 નેપાળી રૂપિયા, બીજી શ્રેણીના પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 186 નેપાળી રૂપિયા અને ત્રીજી શ્રેણીના પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 187 નેપાળી રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સાથે ડીઝલની વાત કરવામાં આવે તો, પ્રથમ શ્રેણીના ડીઝલ અને કેરોસીનની કિંમત પ્રતિ લિટરે 164.50 નેપાળી રૂપિયા, બીજી શ્રેણીના ડીઝલ અને કેરોસીનની કિંમત પ્રતિ લિટરે 166 નેપાળી રૂપિયા અને ત્રીજી શ્રેણીના ડીઝલ અને કેરોસીનની કિંમત પ્રતિ લિટરે 167 નેપાળી રૂપિયા નક્કી કરવામાં આવી છે.
15 દિવસમાં દેશને 5 અરબ નેપાળી રૂપિયાનું નુકસાન
નેપાળી સરકારનું કહેવું છે કે, મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે છેલ્લા 15 દિવસમાં દેશને 5 અરબ નેપાળી રૂપિયાનું નુકસાન આવ્યું છે. જેના કારણે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનના ભાવામં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ આ ભાવ વધારો નેપાળની સામાન્ય જનતા પર ભારે પડશે તેવું લાગી રહ્યું છે. કારણ કે, નેપાળમાં છેલ્લા એક જ મહિનામાં બે વખત ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.