Mon Aug 31 2026

Logo

નેપાળમાં પૂરથી તબાહી: 288 ભારતીય હજુ સંપર્કવિહોણા, ભારત સરકારે રાહત સામગ્રી સાથે હેલ્પલાઇન શરૂ કરી

2026-08-27 18:04:19
Author: Mumbai Samachar Team
નેપાળમાં પૂરથી તબાહી: 288 ભારતીય હજુ સંપર્કવિહોણા, ભારત સરકારે રાહત સામગ્રી સાથે હેલ્પલાઇન શરૂ કરી

નવી દિલ્હીઃ નેપાળમાં આવેલી પૂર હોનારતને લઈને ભારત મદદથી લઈને મોનિટરિંગ સુધીની બાબતમાં બધી રીતે એક્ટિવ છે. ભારતના વિદેશ મંત્રાલયે નેપાળમાં લાપતા થયેલા લોકો અંગે મહત્ત્વની જાણકારી આપી છે. નેપાળમાં અચાનક આવેલા પૂરને કારણે અનેક લોકો લાપતા થયા છે. પૂરમાં માર્યા જનારાની સંખ્યા વધી રહી છે, જે આશરે 300 પાર થઈ છે. તિબેટથી શરૂ થયેલો પ્રચંચ પ્રવાહ નેપાળ સુધી પહોંચતા તારાજી વેરાઈ હતી. મંત્રાલયના એક રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે, નેપાળમાં કુલ 288 લોકો એવા છે જેનો હજુ સુધી કોઈ રીતે સંપર્ક થઈ શક્યો નથી. આ મુદ્દે સત્તાવાર ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ ઘટનામાં કુલ 288 ભારતીયો પણ લાપતા થયા છે. 

મહત્ત્વની વાત સામે આવી

73 ભારતીયો એવા છે જેઓ ત્રિશુલી પાવર પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા. આ સિવાય 37 અને 39 લોકોના બે ગ્રૂપ મૂળ તમિલનાડુ રાજ્યના છે. જેઓ કૈલાશ માનસરોવર યાત્રા કરવા માટે ગયા હતા. ત્રીજુ એક 32 લોકોનું ગ્રૂપ છે જે પશ્ચિમ બંગાળનં છે અને તેઓ પણ કૈલાશ માનસરોવર યાત્રા પર ગયા હતા. આ સિવાય 61 લોકો જુદા-જુદા રાજ્યોમાંથી છે. આ લોકો પણ નેપાળમાં લાપતા થયા છે. આ સાથે કેરલમમાંથી 33 લોકોનું એક ગ્રૂપ નેપાળમાં લાપતા છે. આ રીતે કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા પાંચ ગ્રૂપ લાપતા થયા છે. તમિલનાડુના 21 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ટૂંક જ સમયમાં એમને કાઠમંડુંથી દિલ્હી લાવવામાં આવશે. કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા  અનેક પ્રવાસીઓ ચીનમાં ફસાયેલા છે. આવા લોકોનો આંકડો આશરે 200 જેટલો છે. આ લોકોને પણ ટૂંક સમયમાં ભારતમાં લાવવામાં આવશે. 

ભારતે રવાના કરી સહાય

નેપાળમાં જે રીતે પરિસ્થિતિ વણસી છે એમાં ભારત તરફથી મદદ માટે બે વિમાન ભરી સહાય રવાના કરવામાં આવી છે. મુશ્કેલીના આ સમયમાં પાડોશી દેશ ભારત નેપાળની સાથે છે. સી-130 જે વિમાનમાં 10 ટન રાહત સામગ્રી સાથે બુધવારે એક વિમાનને નેપાળ રવાના કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં શેલ્ટર, દવા અને થોડો જીવન જરૂરી સામાન મોકલાયો હતો. બીજા દિવસે સી-17 વિમાન 37 ટન સામગ્રી લઈને નેપાળ રવાના થયું. જેમાં આઠ ટન જીવન જરૂરી દવાઓ મોકલવામાં આવી હતી. રાહત સામગ્રી મોકલી દેવામાં આવી છે. નેપાળના સૈન્ય તરફથી પણ લોકોને બચાવવા માટે ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે. 

નવી દિલ્હીમાં એક ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ભારતીય દૂતાવાસમાંથી સતત ભારતીયોને ફોન કરવામાં આવી રહ્યા છે.પણ હજુ સુધી ખાસ કોઈનો સંપર્ક થયો નથી. પૂરના કારણે નેપાળમાં મોબાઈલ નેટવર્કને નુકસાન થયું છે. અમુક વિસ્તારમાં કોઈ જ પ્રકારના નેટવર્ક કામ કરતા નથી. 24 કલાક હેલ્પાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે. નેપાળ અને ચીનના રાજદૂત સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે. વિદેશમંત્રીએ પણ આ મામલે બેઠક યોજી છે.