Tue Sep 08 2026

Logo

મુંબઈના તળાવોમાં 91 ટકા પાણીનો સ્ટોક: મુંબઈગરાં માટે મોટી રાહત, પણ સંયમ રાખવો કેમ જરૂરી?

2026-08-14 18:52:54
Author: Mumbai Samachar Team
મુંબઈના તળાવોમાં 91 ટકા પાણીનો સ્ટોક: મુંબઈગરાં માટે મોટી રાહત, પણ સંયમ રાખવો કેમ જરૂરી?

ભારે વરસાદથી શહેરને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં સંગ્રહ ક્ષમતા વધી

મુંબઈ: સતત ચોમાસાના વરસાદને પગલે મુંબઈના પાણીના જથ્થામાં વધારો થયો છે, ગુરુવારે સવાર સુધીમાં શહેરને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં વપરાશમાં લઈ શકાય એવા પાણીનો સંગ્રહ ક્ષમતાના 90.96 ટકા સુધી પહોંચી ગયો છે. 

હાઇડ્રોલિક એન્જિનિયર વિભાગના અહેવાલ અનુસાર કુલ ઉપયોગી સંગ્રહ ક્ષમતા 14 લાખ 47 હજાર 363 મિલિયન લિટર સામે ઉપયોગી પાણીનો જથ્થો 13 લાખ 16 હાજર 578 મિલિયન લિટર થઈ ગયો છે. પાણીનો જથ્થો એક દિવસ અગાઉ નોંધાયેલા ૯૦.૨૬ ટકાથી વધીને ૨૪ કલાકમાં ૦.૭૦ ટકાનો વધારો દર્શાવે છે.

મુખ્ય જળાશયોમાં ઉપલા વૈતરણામાં 82.32 ટકા ઉપયોગી સંગ્રહ હતો, જ્યારે મોડક સાગરમાં છલોછલ -  ૧૦૦ ટકા પાણી હતું. તાનસામાં ૯૯.૨૬ ટકા અને મધ્ય વૈતરણામાં ૯૪.૬૯ ટકા પાણી હતું. બાકીના જળાશયોમાં, ભાતસામાં ૮૮.૯૪ ટકા સંગ્રહ હતો, જ્યારે વિહાર અને તુલસી બંનેમાં ૧૦૦ ટકા પાણી હતું.

અહેવાલમાં છેલ્લા 24 કલાકમાં અનેક કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ઉપરના વૈતરણામાં 30 મીમી, મોડક સાગરમાં 19 મીમી, તાનસામાં 25 મીમી અને મધ્ય વૈતરણામાં 11 મીમી વરસાદ નોંધાયો છે. ભાતસામાં 24 મીમી, વિહારમાં 31 મીમી અને તુલસીમાં 23 મીમી વરસાદ નોંધાયો છે.

અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે જુલાઈની શરૂઆતમાં વિહાર, તુલસી, તાનસા અને મોડક સાગર ડેમ ઓવરફ્લો થવા લાગ્યા હતા. મુંબઈમાં ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન સતત વરસાદ પડી રહ્યો હોવાથી સંગ્રહમાં વધારો થયો છે.

દર વર્ષે પર્યાપ્ત પાણીનો સ્ટોક જમા થયા પછી પણ પાણી કાપ લાગુ પડતો હોય છે, તેથી પાણીને તો જરુરિયાત પ્રમાણે વાપરવાનું જરુરી હોય છે, જ્યારે પ્રશાસન દ્વારા પણ વરસાદી પાણીનો યોગ્ય સ્ટોક થાય અને સંકટ વખતે કામ આવે એ પણ જરુરી છે, એમ નિષ્ણાતે જણાવ્યું હતું.