Mon Jun 08 2026

Logo

મુંબઈથી દુબઈ જતી ફ્લાઈટ સાથે સર્જાઈ દુર્લભ ઘટના; આકાશમાં બે વાર લેવો પડ્યો યુ-ટર્ન

Dubai   2026-03-03 14:16:00
Author: Savan Zalariya
Article Image

દુબઈ: યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શનિવારે શરુ થયેલો સશસ્ત્ર સંઘર્ષ આજે ચોથા દિવસમાં પ્રવેશ્યો છે. આજે પણ પશ્ચિમ એશિયામાં હુમલા થઇ રહ્યા છે, UAEપર મિસાઈલ હુમલાને કારણે મુંબઈથી રવાના થયેલી એક અમીરાત ફ્લાઇટને ‘ડબલ રીવર્સ’ કરવાની ફરજ પડી હતી, જેને એક દુર્લભ ઘટના માનવામાં આવે છે.
ફ્લાઈટ ટ્રેક કરતી એક વેબસાઈટના જણાવ્યા મુજબ, મંગળવારે સવારે એર અમીરાતની ફ્લાઇટ-EK501 મુંબઈથી રવાના થઇને દુબઈ જઈ રહી હતી. ફ્લાઈટ UAEના એરસ્પેસ પાસે પહોંચી ત્યારે, સંરક્ષણ મંત્રાલયે ચેતવણી આપી હતી કે એર ડિફેન્સ ડીપાર્ટમેન્ટ ઈરાનથી છોડવામાં આવેલી બેલિસ્ટિક મિસાઇલોનો સામનો કરી રહ્યું છે. 
મિસાઈલના જોખમને કારણે ફ્લાઇટને UAEના એરસ્પેસ બહાર રહેવા સુચના આપવામાં આવી હતી. વેબસાઇટ પરના લાઇવ પ્લેન ટ્રેકર મુજબ દુબઈમાં લેન્ડ કરતા પહેલા અમીરાતની ફ્લાઈટ બે વાર રિવર્સ કર્યું હતું, એવીશેન સેક્ટરમાં આ ‘ડબલ રીવર્સ’ને દુર્લભ માનવામાં આવે છે. 

ફ્લાઈટ ટ્રેકર મુજબ સુચના મળતા ફ્લાઈટે હવામાં એક ચક્કર લાગાવ્યું, ત્યાર બાદ મુંબઈ પાછી જતી જોવા મળી હતી, પરંતુ પછી ત્યાર બાદ ફરી ફ્લાઈટ દુબઈ તરફ જતી જોવા મળી હતી.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે ગલ્ફ દેશોએ એરસ્પેસ બંધ કરી છે, જો કે ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે મર્યાદિત સંખ્યામાં ફ્લાઇટ ઓપરેટ થઇ રહી છે.  

UAEની એર ડિફેન્સ દ્વારા તોડી પાડવામાં આવેલા ડ્રોનનો કાટમાળ પડતા દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઝાયેદ ઇન્ટરનેશનલ એરપોર્ટને નુકસાન થયું હતું, અબુ ધાબીમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

દુબઈ, અબુ ધાબી અને શારજાહ એરપોર્ટે ફરીથી માર્યાદિત કામગીરી શરૂ કરવામાં આવી છે.