Sat May 02 2026

Logo

મુંબઈમાં ૧,૭૪૦ કિલોમીટર રસ્તાનું સિમેન્ટ-કૉંક્રીટીકરણ પૂર્ણ

2026-05-02 10:04:00
Author: Sapna Desai
Article Image

૧૫ મે બાદ કોઈ રસ્તા ખોદવામાં આવશે નહીં
૭૫ ટકાથી વધુ કૉંક્રીટાઈઝેશન થયેલા રસ્તાઓના કામ ૩૧ મે સુધી પૂર્ણ કરાશે


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસું નજીક હોઈ મુંબઈના અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં રસ્તાઓને સિમેન્ટ-કૉંક્રીટીકરણ માટે ખોદી મૂકવામાં આવ્યા છે ત્યારે ૩૧મે , ૨૦૨૬ પહેલા કામ પૂરા કરવામાં આવ્યા નહીં તો મુંબઈગરાને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. અત્યારે પણ અનેક જગ્યાએ રસ્તાઓ ખોદીને કૉન્ટ્રેક્ટર ગાયબ થઈ જતો હોવાથી કામ અટવાઈ પડતા હોય છે અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે પાલિકાના નવા કમિશનર અશ્ર્વિની ભીડેએ મુંબઈગરાને ૩૧ મે સુધીમાં રસ્તાઓ વાહનવ્યવહાર માટે ખોલી દેવામાં આવશે, તેથી નાગરિકોને ચોમાસા દરમ્યાન કોઈ હાલાકીનો સામનો નહીં કરવો પડે એવું આશ્ર્વાસન આપ્યું છે.

મુંબઈ  મહાનગરપાલિકા દ્વારા મુંબઈના રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટીકરણનું કામ બે તબક્કામાં હાથમાં લેવામાં આવ્યું હતું. તેમાંથી અત્યાર સુધીમાં ૧,૭૯૫ કિલોમીટર લંબાઈના રસ્તાના કામ પૂર્ણ થયા છે. બાકી રહેલા ૩૦૫ કિલોમીટરમાંથી ૧૭૯ કિલોમીટર રસ્તાના કામ શરૂ હોઈ જે રસ્તાના કામ ૭૫ ટકા કરતાં વધુ પૂર્ણ થયા છે. તે તમામ કામ ૩૧મે, ૨૦૨૬ પહેલા પૂર્ણ કરવામાં આવવાના છે, જે રસ્તાઓના કામ પૂર્ણ થવાના ન હોય તો પહેલી જૂન સુધીમાં તે રસ્તાના ભાગ પર ડામર  નાખીને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લા મૂકી દેવામાં આવવાના છે. પહેલા તબક્કાના કામમાં  ૮૩.૨૫ ટકા અને બીજા તબક્કામાં  ૬૦.૨૯ ટકા સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ થઈ ગયું છે.

હાલ મુંબઈમાં ૨,૨૦૫ કિલોમીટર લંબાઈના રસ્તા છે, તેમાંથી ૧,૨૪૦ કિલોમીટર લંબાઈના રસ્તાનું પહેલા જ કૉંક્રીટીકરણ થઈ ગયું છે. એ બાદ ૭૦૦ કિલોમીટર લંબાઈના રસ્તાના કામ હાથ ધરવામાં આવ્યા હતા, તેમાંથી ૫૦૦ કિલોમીટર લંબાઈના એમ કુલ ૧,૭૪૦ કિલોમીટરના રસ્તાના કામ પૂરાં થઈ ગયાં છે. તેથી હવે જેટલા રસ્તાનાં કામ બાકી રહ્યા છે, તેમાંથી ૧૭૯ કિલોમીટર લંબાઈના કામની શરૂઆત કરવામાં આવી છે, તેમાં હવે જે રસ્તાના કામ ૭૫ ટકાથી વધુ થઈ ગયા છે, તે રસ્તાના કામ ૩૧ મે, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરીને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લા મૂકવામાં આવવાના છે. તો જે રસ્તાના કામ ૭૦ ટકા કરતાં ઓછા થયા છે અને ૧૫ મે સુધીમાં તેનું ખોદકામ કર્યું હશે  તો તે રસ્તાને પૂરીને તેને પૂર્વવત્ કરી નાખવાના રહેશે. તેમ જ તેન વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવા માટે તેને ઉપરથી ડામર નાખવાનો રહેેશે.

મુંબઈને ખાડા મુક્ત કરવા માટે રસ્તાનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશન કરવાનું કામ હાથમાં લેવામાં આવ્યું છે. છેલ્લાવ ત્રણ વર્ષથી હાથ ધરવામાં આવેલા આ પ્રોજેક્ટમાં વર્ષ ૨૦૨૩માં ૨૦૩ કરોડ રૂપિયાનો ખર્ચ થતો હતો તે હવે વર્ષ ૨૦૨૫માં ખાડા પૂરવાનો  ખર્ચ ૪૫ કરોડ રૂપિયા થઈ ગયો છે. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ખરાબ પેચ છે ત્યાં ખાડા પૂરવાના  કામ માટે સ્વતંત્ર એજન્સીની નિમણૂક કરવામાં આવવાની છે. દરેક વોર્ડમાં સબ એન્જિનિયર અને રોડ એન્જિનિયરને ચોમાસા દરમ્યાન રસ્તા પર ખાસ નજર રાખવાની રહેશે. નાગિરકોને પણ રસ્તા પર ખાડા સંદર્ભમાં પોટહોલ ક્વિકફિક્સ ઍપનો ઉપયોગ કરીને ખાડાની ફરિયાદ કરવાની અપીલ પાલિકાએ કરી છે.