Thu Jul 23 2026

Logo

Mumbai Rain Update: મુસળધાર વરસાદમાં મેટ્રોનો ઓવરહેડ કેબલ તૂટ્યો, મેટ્રો 2-એ લાઈન ખોટકાતા મુસાફરો બેહાલ

2026-07-04 15:00:00
Author: Darshana Visaria
Article Image

મુંબઈ: મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ શરૂ થયેલા મુસળધાર વરસાદે આખી આર્થિક રાજધાનીને ધમરોળી નાખી છે. સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનો અને રસ્તાઓ પર તો અસર પડી જ છે, પરંતુ હવે મુંબઈકરોની નવી અને આધુનિક સવારી ગણાતી મુંબઈ મેટ્રોને પણ કુદરતી પ્રકોપનો ભોગ બનવું પડ્યું છે. પશ્ચિમ ઉપનગરોને જોડતી મેટ્રોની યેલો લાઈન મેટ્રો 2-એ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે હજારો નોકરિયાત વર્ગ અને મુસાફરો અટવાઈ પડ્યા છે. જોકે, યુદ્ધના ધોરણે કામ હાથ ધરીને હાલ મેટ્રો 2-એ લાઈન ફરી શરૂ કરવામાં આવી છે. 

 

મળતી માહિતી મુજબ, મુસળધાર વરસાદ અને તેજ પવનના કારણે કાંદરપાડાથી આનંદનગર સ્ટેશનોની વચ્ચે મેટ્રોનો ઓવરહેડ ઇલેક્ટ્રિક કેબલ અચાનક તૂટી ગયો હતો. વરસાદની સિઝનમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં અને ટેકનિકલ ખામી સર્જાતાં સાવચેતીના પગલારૂપે આ લાઈન પરની તમામ મેટ્રો સેવાઓ તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવી હતી અને મેઈન્ટેનન્સ વર્ક હાથ ધરીને સેવાઓ પૂર્વવત્ કરવામાં આવી હતી. 

મેટ્રોની સેવાઓ અચાનક બંધ થઈ જતાં ખાસ કરીને બોરીવલી, દહિસર, કાંદિવલી અને અંધેરી જેવા પશ્ચિમ ઉપનગરોમાં રહેતા મુંબઈકરોના ભારે હાલાકિ ભોગવવાનો વારો આવ્યો હતો. ઓફિસ જવાના પીક અવર્સ દરમિયાન જ આ દુર્ઘટના ઘટી હોવાથી સ્ટેશનો પર મુસાફરોની ચક્કાજામ ભીડ એકઠી થઈ ગઈ હતી. રસ્તાઓ પર પહેલાથી જ પાણી ભરાયેલા હોવાથી ટ્રાફિક જામ હતો અને હવે મેટ્રો પણ બંધ થતાં લોકો લાચાર બની ગયા હતા.

મેટ્રો પ્રશાસન (MMMOCL) અને ટેકનિકલ ટીમો ઘટનાસ્થળે પહોંચીને તૂટેલા ઓવરહેડ કેબલને રિપેર કરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું હતું. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અથવા બહુ જ જરૂરી હોય તો જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે હજુ પણ આગામી કેટલાક કલાકો સુધી ભારે વરસાદની અલર્ટ જારી રાખી છે.