Sat Aug 22 2026

Logo

મુંબઈ-પુણે એક્સપ્રેસવેની 'મિસિંગ લિંક' ટનલમાં મેઈન્ટેનન્સ અને મોકડ્રિલ: 3 કલાક ટ્રાફિક ડાઇવર્ટ કરાયો

2026-08-12 17:16:26
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મુંબઈ-પુણે એક્સપ્રેસવેની નવા કનેક્ટિંગ ‘મિસિંગ લિંક’ પર બુધવારે બપોરે ત્રણ કલાક માટે ટ્રાફિક નિયંત્રણ અને ડાઇવર્ઝન કરવામાં આવ્યું હતું. મુંબઈ તરફ જતા માર્ગની જમણી બાજુની (આરએચએસ) ટનલમાં મેઈન્ટેનન્સ કામગીરી સાથે મોકડ્રિલ કરાઈ હતી. જેને પગલે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી વાહનવ્યવહારને ડાઇવર્ટ કરાયો હતો.

મેઈન્ટેનન્સ અને મોકડ્રિલ દરમિયાન વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાઈવે પોલીસે ટ્રાફિકનું સંચાલન કર્યું હતું. કામગીરીના સ્થળે કોન્સ, બેરિકેડ્સ અને દિશાસૂચક સાઈનેજ પણ મૂકાયા હતા. તેના સિવાય સુરક્ષા કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આ ત્રણ કલાક દરમ્યાન હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને ટ્રાફિક પોલીસની સૂચનાઓનું પાલન કરવા, વાહન ધીમેથી ચલાવવા અને અન્ય વાહનોથી સલામત અંતર જાળવવા અપીલ કરવામાં આવી હતી.

મુંબઈ-પુણે એક્સપ્રેસવેની આ કનેક્ટિંગ લિંક 1 મેના રોજ વાહનવ્યવહાર માટે શરુ કરાઈ હતી. આશરે 13.3 કિલોમીટર લાંબો આ કોરિડોર ખોપોલી અને કુસગાંવને જોડે છે અને જૂના ખંડાલા-લોનાવળા ઘાટ માર્ગને બાયપાસ કરે છે. આ પ્રોજેક્ટમાં ટનલ, વાઇડક્ટ્સ ઉપરાંત ટાઈગર વેલી ઉપર બનાવવામાં આવેલો મહત્વપૂર્ણ કેબલ-સ્ટેઈડ બ્રિજનો સમાવેશ થાય છે. નવા માર્ગના કારણે મુંબઈ-પુણે મુસાફરીનો સમય આશરે 25થી 30 મિનિટ ઘટ્યો છે. 

નવી કનેક્ટિંગ લિંક શરૂ થયાના થોડા જ સમય બાદ ચોમાસામાં તેને મોટા વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. છઠ્ઠી જુલાઈના ભારે વરસાદને કારણે કનેક્ટિંગ લિંક નજીક ભૂસ્ખલન થયું હતું. ટનલ-2ના બહાર નીકળવાના ભાગ નજીક પુણે તરફ જતા કેરેજવે પર માટી, કાટમાળ અને મોટા પથ્થરો આવી પડતાં વાહનવ્યવહાર પર માઠી અસર થઈ હતી.

કાટમાળ હટાવવા અને અસરગ્રસ્ત વિસ્તારની તપાસ કરવા માટે આ કોરિડોરને લગભગ 18 કલાક સુધી બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ટેક્નિકલ નિષ્ણાતોએ ટનલ-2 અને તેની આસપાસના ઢોળાવની તપાસ કર્યા બાદ વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ નવી કનેક્ટિંગ લિંકની આસપાસના પહાડી ઢોળાવો અને ભારે વરસાદ દરમિયાન ઊભા થઈ શકતા જોખમ અંગે પણ સુરક્ષાને લગતા પશ્નો નિર્માણ કર્યા હતા. 

મેઈન્ટેનન્સની કામગીરી અને મોકડ્રિલ દરમિયાન લેવાયેલા સુરક્ષા વિષયક પગલાંને આ સંવેદનશીલ માર્ગની સલામતી વ્યવસ્થાના મહત્વપૂર્ણ ભાગ તરીકે જોવામાં આવી રહ્યા છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવેના આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ટ્રાફિક પોલીસે આપેલા નિર્દેશોનું પાલન કરવું, ઝડપ નિયંત્રિત રાખવી અને આગળના વાહનથી પૂરતું અંતર જાળવવાની અપીલ કરી હતી.