મુંબઈઃ આવતીકાલે એટલે કે 13મી સપ્ટેમ્બરના તમે પણ પણ જો ગણેશ ચતુર્થી પૂર્વેના રવિવારે ખરીદી અને તહેવારની તૈયારીઓ માટે નીકળતા મુંબઈગરાઓ અને ગણેશભક્તો માટે મહત્વના સમાચાર છે. મધ્ય રેલ્વેના મુંબઈ ડિવિઝન દ્વારા વિવિધ એન્જિનિયરિંગ અને ટ્રેક મેન્ટેનન્સ કામગિરી માટે રવિવાર, 13મી સપ્ટેમ્બર, 2026ના રોજ ઉપનગરીય રેલવે નેટવર્ક પર મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે.
મધ્ય રેલવે પર આવતીકાલે સવારે 10.43થી સાંજે 3.53 કલાકે થાણે-કલ્યાણ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન મુલુંડથી કલ્યાણ તરફ જતી ડાઉન ધીમી અને સેમી-ફાસ્ટ લોકલને મુલુંડ-કલ્યાણ વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરાશે. આ ટ્રેનો પોતાના નિર્ધારિત હોલ્ટ થાણે, કલવા, મુંબ્રા, દિવા અને ડોબિંવલી સ્ટેશને રોકાશે અને 10 મિનિટ મોડી પહોંચશે.
ટ્રાન્સ-હાર્બર લાઇન સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી થાણેથી વાશી / નેરુલ વચ્ચે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળામાં થાણેથી વાશી, નેરુલ અને પનવેલ વચ્ચે ચાલતી અપ અને ડાઉન ટ્રાન્સ-હાર્બર લોકલ સેવાઓ સંપૂર્ણપણે રદ રહેશે. રેલવે પ્રશાસન દ્વારા પ્રવાસીઓને વૈકલ્પિક રૂટ પર પ્રવાસ કરવાની અપીલ કરવામાં આવી છે.
બેલાપુર-ઉરણ માર્ગ પરની તમામ લોકલ ટ્રેનો રવિવારના નિયમિત સમયપત્રક મુજબ જ દોડશે. સવારે 11થી સાંજે 5 વાગ્યા દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) થી ઉપડતી અથવા પહોંચતી અપ અને ડાઉન સ્લો લોકલ ટ્રેનો આશરે 10 થી 15 મિનિટ મોડી દોડશે.
જોકે, પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને આવતીકાલે મેગા બ્લોકની માથાકુટમાંથી મુક્તિ મળશે, કારણ કે રેલવે પ્રશાસન દ્વારા ગણેશચતુર્થીને ધ્યાનમાં લઈને કોઈ પણ પ્રકારનો મેગા બ્લોક હાથ નહીં ધરવામાં આવે.