Fri Sep 04 2026

Logo

મુંબઈના JNPT નજીક ગોદામમાં ભીષણ આગ,  ફાયર વિભાગની 12 ગાડીઓએ ચલાવ્યો પાણીનો મારો

2026-04-18 17:45:23
Author: Mumbai Samachar Team
મુંબઈના JNPT નજીક ગોદામમાં ભીષણ આગ,  ફાયર વિભાગની 12 ગાડીઓએ ચલાવ્યો પાણીનો મારો

મુંબઈઃ શનિવારે સાંજે મુંબઈના જવાહરલાલ નેહરૂ પોર્ટ પાસે ગાવ્હાન ફાટામાં એક ગોદામમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગનો ધુમાડો દૂર દૂરથી પણ દેખાતો હતો. આગ એટલી ભયંકર હતી કે, કેટલાક કિમી દૂરથી પણ તે જોઈ સ્પષ્ટ જોઈ શકાતી હતી. આગને કારણે સમગ્ર પોર્ટ પર કાળો ધુમાડો ફરી વળ્યો હતો. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા જ ફાયરની ગાડી તથા ફાયરકર્મીઓ પોર્ટ પર પહોંચ્યા હતા અને આગ ઠારવા માટે પાણીનો મારો શરૂ કરી દીધો હતો. 

12 જેટલી ફાયરની ગાડી પહોંચી

આગ પર કાબુ મેળવવા માટે તથા આગને ફેલાતી રોકવા માટે પાણી ભરેલી વધારાની ફાયરની ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોય એવા કોઈ વાવડ નથી. રિપોર્ટ અનુસાર આશરે 12 જેટલી ફાયર વિભાગની પાણીથી ભરેલી ગાડી આગ ઠારવા માટે પહોંચી હતી. આસપાસના વિસ્તારમાં રહેલા ફાયર વિભાગને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું. નજીકના વિસ્તારની ફાયરની ટીમ પણ આગ ઠારવા માટે પહેલા પહોંચી હતી. રિપોર્ટ અનુસાર એક લોજિસ્ટિક પાર્કમાં એક બ્લાસ્ટ થયો હતો. કેમિકલ બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

શ્રમિકો બહાર દોડી ગયા

લોજિસ્ટિક પાર્કમાં આગ લાગવાને કારણે આસપાસના વિસ્તારમાંથી લોકો દોડી આવ્યા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આગ લાગી હતી. એ પછી નજીકના ગોદામમાં પણ આગ પ્રસરી હતી. વિસ્ફોટનો મોટો અવાજ આવતા લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. કંપનીમાં કામ કરતા શ્રમિકો પણ બહાર દોડી આવ્યા હતા. જે વિસ્તારમાં આગ લાગી એ વિસ્તાર મુંબઈથી નજીકનો પહાડી વિસ્તાર છે. અહીં આસપાસ કેટલીક કેમિકલ કંપનીઓ પણ આવેલી છે.