(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવ વધી આવતા ફુગાવામં વધારો થવાની ચિંતા સપાટી પર આવવાની સાથે કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં એક ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
જોકે, આજે ક્રૂડતેલમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં ઘટાડો આવ્યાના નિર્દેશો સાથે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા બન્ને કિંમતી ધાતુઓમાં ભાવઘટાડો આગળ ધપ્યો હતો, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1343થી 1349નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 4722નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ અને વધુ ભાવઘટાડાના આશાવાદ સાથે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ ખપપૂરતી રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 4722ના ઘટાડા સાથે રૂ. 2,28,920ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલી નિરસ રહી હતી અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1343ના ઘટાડા સાથે રૂ. 1,51,330 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1349ના ઘટાડા સાથે રૂ. 1,51,938ના મથાળે રહ્યા હતા.
ગત ઑગસ્ટ મહિનાનાં અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં બજારની અપેક્ષાનુસાર વધારો થવાની સાથે ક્રૂડતેલના ભાવ પણ વધી આવ્યાના અહેવાલોને ધ્યાનમાં લેતા ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ક્રૂડતેલમાં નફારૂપી વેચવાલીએ પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ 0.6 ટકા વધીને આૈંસદીઠ 4339.46 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.6 ટકા ઘટીને 4381.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.4 ટકા વધીને આૈંસદીઠ 63.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આગામી સોમવારે યોજાનાર ગલ્ફ કૉઑપરેશન કાઉન્સિલની બેઠકમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગથી વેપારી જહાજોની આવનજાવન અંગે કોઈ ઉકેલ આવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે ક્રૂડતેલના ભાવ ઘટી આવતા સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજી વિભાગના હેડ ઑલે હસને જણાવતાં ઉમેર્યું હતું કે આજે વૈશ્વિક સોનાના ભાવ આૈંસદીઠ 4300 ડૉલર આસપાસની ટેકાની સપાટીએથી ખરીદદારોનો રસ જોવા મળ્યો છે. જોકે, સપ્તાહના અંતે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બેરલદીઠ 100 ડૉલરની ઉપર જ રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
ગઈકાલે અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટાની જાહેરાત પશ્ચાત્ બજાર વર્તુળો આગામી 15-16 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી 67 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા હતા. જોકે, આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવાના ડેટા પર બજારની નજર હોવાથી અમુક અંશે સાવચેતીનો અભિગમ પણ જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.