Sat Jun 27 2026

Logo

રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ માટે વપરાયેલું હથિયાર જપ્ત, તપાસાર્થે FSL મોકલ્યું...

2026-02-18 22:19:13
Author: Tejas
Article Image

મુંબઈ: બોલીવુડના જાણીતા ડાયરેક્ટર રોહિત શેટ્ટીના ઘર પર થયેલા ફાયરિંગના મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસમાં આખરે ફાયરિંગમાં વપરાયેલું આધુનિક હથિયાર મળી આવ્યું છે, જેના દ્વારા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક અત્યાધુનિક હથિયાર છે જેનો ઉપયોગ ફિલ્મમેકરના નિવાસસ્થાને દહેશત ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો. આ સફળતાથી હવે કેસના મૂળ સુધી પહોંચવામાં પોલીસને ઘણી મદદ મળશે.

ક્રાઈમ બ્રાન્ચે આ હથિયાર મુખ્ય આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરી હતી અને એના આધારે પોલીસે આધુનિક હથિયાર હરિયાણાથી જપ્ત કર્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આ જ બંદૂકથી રોહિત શેટ્ટીના ઘર પર પાંચ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. હાલમાં આ હથિયારને બેલિસ્ટિક તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલી આપવામાં આવ્યું છે. આ તપાસ દ્વારા વૈજ્ઞાનિક રીતે પુષ્ટિ કરવામાં આવશે કે ફાયરિંગમાં ખરેખર આ જ હથિયાર વપરાયું હતું કે કેમ?

મુંબઈ પોલીસે આ કેસમાં 'મલ્ટી સ્ટેટ ઓપરેશન' હેઠળ મુખ્ય શૂટર દીપક રમેશચંદ્ર શર્માની ધરપકડ કરી છે, જે મૂળ આગ્રાનો રહેવાસી છે. તેની સાથે હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી અન્ય છ આરોપીઓ પણ પોલીસના સકંજામાં આવ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ આખું ષડયંત્ર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય શુભમ લોણકર દ્વારા રચવામાં આવ્યું હતું. આ ફાયરિંગ પાછળનો મુખ્ય હેતુ ફિલ્મમેકરને ડરાવીને વિસ્તારમાં ગેંગનો દબદબો ઉભો કરવાનો હતો.

મુંબઈ પોલીસના એન્ટી એક્સ્ટોર્શન સેલે ઉત્તર પ્રદેશ અને હરિયાણા પોલીસની એસટીએફ (STF) સાથે મળીને આ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. 1 ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટના બાદ પોલીસ સતત ગુનેગારોનો પીછો કરી રહી હતી. હાલમાં તમામ આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ કેસમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે તેની પણ તપાસ તેજ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે બોલિવૂડ હસ્તીઓની સુરક્ષાને લઈને પણ વધુ સતર્કતા દાખવી છે.