(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઈરાન-અમેરિકા યુદ્ધ પછી જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, ત્યારે આગામી મહિનાથી મુંબઈગરા પર ઓટો-ટેક્સીના ભાડામાં વધારો થશે. એટલું જ નહીં, દૂધના ભાવ વધારાને કારણે આમ જનતાના ખિસ્સા પર ડબલ ભારણ વધશે, જેનાથી મુંબઈગરાની મુશ્કેલીઓ વધશે.
સપ્ટેમ્બર મહિનો શરૂ થતાં એક તરફ દૂધના ભાવમાં વધારો થવાની ચર્ચા છે, ત્યારે હવે બીજી તરફ મુંબઈમાં દૈનિક મુસાફરી પણ મોંઘી બનવાના સંકેતો મળી રહ્યા છે. ઓટો રિક્ષા અને ટેક્સીના ભાડામાં વધારો થવાથી રોજિંદો પ્રવાસ કરતા સામાન્ય મુંબઈગરાના બજેટ પર સીધી અસર પડશે, જ્યારે કાંદા-લસણ સહિત શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે.
ઇંધણમાં ખાસ કરીને સીએનજીના વધતા ભાવ તેમજ વાહનોની જાળવણીનો ખર્ચ વધવાને કારણે ઓટો રિક્ષા અને ટેક્સીના ભાડામાં સુધારો કરવામાં આવી રહ્યો છે. નવા દર મુજબ શરૂઆતના લઘુત્તમ ભાડામાં આશરે 1થી 2 રૂપિયાનો વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત, ત્યારબાદના પ્રતિ કિલોમીટર ભાડામાં પણ વધારો કરવામાં આવશે.
આ ભાડાવધારાની સૌથી વધુ અસર ઓફિસ માટે દરરોજ રિક્ષા અથવા ટેક્સીનો ઉપયોગ કરતા કર્મચારીઓ તેમજ દૈનિક મુસાફરી કરતા સામાન્ય નાગરિકો પર પડશે. રોજિંદા પ્રવાસના ખર્ચમાં થતી આ વધારાની રકમ મહિનાના અંતે પરિવારના બજેટ પર પણ મોટી અસર નિર્માણ કરી શકે છે.
દૂધના ભાવમાં વધારો અને પ્રવાસ ખર્ચમાં વધારો એકસાથે થતાં સામાન્ય મુંબઈગરાના માસિક બજેટ પર મોંઘવારીનો ડબલ માર પડી શકે છે. અંદાજ મુજબ, આ બંને વધારાને કારણે એક સામાન્ય પરિવારના માસિક ખર્ચમાં આશરે 1500 સુધીનો વધારાનો બોજ આવી શકે છે.
જે પરિવારમાં દરરોજ આશરે 2 લિટર દૂધનો વપરાશ થાય છે, તેમના માટે દૂધના ખર્ચમાં મહિનામાં અંદાજે 500 થી 600 રૂપિયા સુધીનો વધારો થવાની શક્યતા છે. બીજી તરફ, દરરોજ રિક્ષા અથવા ટેક્સીથી મુસાફરી કરનાર વ્યક્તિનો માસિક પ્રવાસ ખર્ચ અંદાજે 300થી 500 રૂપિયા સુધી વધી શકે છે.
સપ્ટેમ્બર મહિનાથી તહેવારોની મોસમ શરૂ થતી હોય છે તેથી ત્યારે સામાન્ય પરિવારોના ખર્ચમાં પહેલેથી જ વધારો થતો હોય છે. આવી સ્થિતિમાં દૂધ અને પ્રવાસના ખર્ચમાં વધારો થતાં ઘરનું બજેટ વધુ ખોરવાઈ શકે છે.
મુંબઈગરાઓ માટે દૂધ અને રોજિંદી મુસાફરી બંને જીવનજરૂરિયાતનો હિસ્સો છે. તેથી આ બંને ક્ષેત્રમાં ભાવવધારો સામાન્ય લોકો માટે ટાળવો મુશ્કેલ બનશે. એક તરફ ઘરનો દૈનિક ખર્ચ વધશે, તો બીજી તરફ ઓફિસ અને અન્ય કામકાજ માટેના પ્રવાસનો ખર્ચ પણ વધશે.
આ રીતે સપ્ટેમ્બર મહિનો મુંબઈગરાઓ માટે મોંઘવારીનો વધુ એક પડકાર લઈને આવી શકે છે. દૂધ બાદ હવે ઓટો અને ટેક્સીના વધતા ભાડાથી સામાન્ય મુંબઈગરાના ખિસ્સા પર વધુ ભાર પડવાની શક્યતા છે.
જનતાએ જાગવું પડે નહીં તો...
આ મુદ્દે જાણીતા એક્ટિવિસ્ટે જણાવ્યું હતું કે દર મહિને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો થયા કરે છે પણ એના અંગે કોઈનું ધ્યાન જ હોતું નથી. ઉપરાંત, જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવમાં પડદા પાછળ વધારો થઈ રહ્યો છે એના અંગે સરકાર કે વિપક્ષનું પેટનું પાણી હાલતું નથી. દર મહિને જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે એના અંગે કોઈ પ્રદર્શન થતા નથી કે વિરોધ થતો નથી. આ મુદ્દે પણ જનતાએ લડવું પડશે એટલું નક્કી છે, એમ તેમણે જણાવ્યું હતું.