Thu Mar 12 2026

Logo

સંતત્વનો કોઈ ચોક્કસ ગણવેશ નથી હોતો, સંતત્વ એ સ્વભાવ છે-વૃત્તિ છે

1 week ago
Author: Mumbaisamachar Team
Article Image

 

માનસ મંથન -મોરારિબાપુ

સંત ધોતી-ઝભ્ભામાં જ હોવા જરૂરી નથી, પેન્ટમાં પણ હોઈ શકે છે, હાફ પેન્ટમાં પણ હોઈ શકે છે, દિગંબર પણ હોઈ શકે છે અને સોળે શણગાર સજેલા પણ હોઈ શકે છે. એને માટે કોઈ યુનિફોર્મ નથી. સાધુતા કપડાંમાં નથી હોતી, સાધુતા સ્વભાવમાં હોય છે. હું તો સાધુની એવી વ્યાખ્યા કરું છું કે દરેક વસ્તુનો સ્વીકારે કરે એ સાધુ. કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર કરો. રડતાં રડતાં પણ કરવો પડશે અને હસતાં હસતાં પણ કરવો પડશે. સન્માનનો સ્વીકાર કરે અને અપમાનનો સ્વીકાર ન કરે એ ખંડિત સાધુતા છે.

યુવાન ભાઈ-બહેનો,સર્વનો સ્વીકાર કરો. સુખ મળે તો પણ સ્વીકાર અને દુ:ખનો પણ સ્વીકાર. સુખ મળે તો વિવેકપૂર્વક સૌને વહેંચો. મરીઝ સાહેબ એમની ગઝલમાં કહે છે-

બસ એટલી સમજ મને પરવર દિગાર દે.

સુખ જયારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

શાયર કહે છે હે પરવરદિગાર, હે મારા માલિક, મને એટલી સમજ દે, એટલો વિવેક દે કે મને જયારે પણ સુખ મળે ત્યારે બધાનો વિચાર આવે. બીજું સૂત્ર મેં એવું આપ્યું છે કે કોઈ પણ ઘટનાથી, કોઈની પણ સાથે તકરાર ન કરે એ સાધુ. તકદીર સાથે પણ તકરાર ન કરે. 
આપણા ભાગ્ય સાથે પણ તકરાર ન કરો કે મારાં ભાગ્ય આવાં છે !  જે કંઈ પણ મળે, મોજમાં રહો. એક કથા જીવનને બદલી શકે છે અને જીવન બદલાઈ રહ્યું છે. હું કૈલાસની કથામાં કહેતો હતો કે આપણા આંગણામાં ફૂલછોડ હોય છે એની સાંજે જે કળી હોય છે એ સવાર થતાં ફૂલ થઇ જાય છે! એક સૂક્ષ્મ પ્રક્રિયા શરૂ થઇ જાય છે. જે લોકો કહે છે કે કથા સાંભળી સાંભળી શું ફાયદો થાય છે, એમણે કથાના રસને જાણ્યો જ નથી! કથાથી ઘણો ફાયદો થાય છે. સાધકને ખબર પણ નથી પડતી કે એ કેવી રીતે વિકસિત થાય છે! વાર લાગશે. કળીમાંથી ફૂલ થવામાં વાર તો લાગે જ. અને જિંદગીને વિકસિત કરવા માટે બે-ચાર જિંદગી લાગે તો પણ કાંઈ ખોટનો ધંધો નથી !

એક હજાર માણસમાં કોઈ એક ધર્મવ્રતધારી હોય. એક હજાર ધાર્મિક તો હોય જ, પણ ધર્મવ્રતધારી એક જ હોય! આનો તલગાજરડું એમ અર્થ કરે, હજાર ધાર્મિકમાં ધર્મવ્રતી કો’ક એક જ નીકળે. હજાર માણસોમાં વસ્ત્રના ધાર્મિક હોય,પણ વૃત્તિનો ધાર્મિક તો કો’ક એક જ હોય! ધર્મનિયમધારી નથી કીધું, ધર્મવ્રતધારી કહ્યું છે. નિયમ બાંધે, વ્રત છૂટા રાખે. કૃષ્ણને સાચું બોલવું એવો નિયમ નહોતો,પણ વ્રત હતું અને વ્રતમાં ફેરફાર કરી શકે. એને થાય કે અહીં સાચું બોલવાથી જગતનું અકલ્યાણ થાય એમ છે,તો વ્રતમાં એણે ફેરફાર કર્યા છે. નિયમ તો બાંધે,જડ બનાવી દે; તેથી કળિયુગમાં નિયમ ધારણ કરવા કરતાં વ્રતી બનવું. વેશ પરંપરાવાદી હોય,વિચાર ગંગા જેવા દેશકાળને અનુકૂળ દરેક ઘાટને સ્પર્શતા હોવા જોઈએ. વેશનો મહિમા છે. જૈનાચાર્ય ચિત્રભાનુએ ક્રાંતિ કરી. એમણે પ્રવચનમાં કહ્યું કે ‘મેં બહુ વિચારણાને અંતે નક્કી કર્યું છે કે વેશનો સાધુ બનવા કરતાં વૃત્તિનો સાધુ બનવું વધારે સારું.’ હવે પ્રશ્ન એ કે ધર્મવ્રતધારી એટલે કેવા વ્રતો? પાંચ વ્રતો. આમ ગણો તો અઘરાં,આમ સહેલાં! આ પાંચ જેનામાં હોય તે હજારોમાં એક છે એમ માનવું. ‘માનસ’નો નિચોડ મને જે લાગ્યો, ગુરુકૃપાથી મને જે લાગ્યું એ ત્રણ વ્રત સત્ય, પ્રેમ, કરુણા. જેટલું બને એટલું સત્ય બોલીએ.

એવાં ન વેણ કાઢો કે કોઈના દિલને ઠેસ વાગે.

વાણી ઉપર બધો છે આધાર માનવીનો.

જો જો ગુમાવશો ના એતબાર માનવીનો,

એળે ન જાય જો જો અવતાર માનવીનો.

નાઝિર દેખૈયા 

ત્રીજું, જીવનમાં કોઈનો તિરસ્કાર ન કરે એ સાધુ, કોઈની ઉપેક્ષા ન કરે, કોઈને ધક્કો ન મારે એ સાધુ. અને ચોથું, આખીયે દુનિયાને પ્યાર કરે એ સાધુ, સમગ્ર વિશ્વને પ્યાર કરે એનું નામ સાધુ. ‘રામચરિતમાનસ’માં સાધુનું એક લક્ષણ દર્શાવવામાં આવ્યું છે. સાધુ કોણ? 
તુલસી કહે છે-

મધુકર સરિસ સંત ગુનગાહી 

મધુકરની માફક જ્યાંથી પણ મધુ મળે ત્યાંથી સંત લઇ લે છે અને પછી વહેંચે છે, પરંતુ આપણે કેટલાં સંકીર્ણ થઇ ગયાં છીએ! ધર્મના મંચ પર પણ બધાં સારી સારી વાતો કરે છે, પણ પછીથી એ જ સંકીર્ણતા! મંચ પર સર્વધર્મની વાતો કરનારા પછીથી તો પોતપોતાનાં ગ્રુપમાં જ હોય છે! આપણે ટટ્ટાર થવાનું હતું ત્યાં આપણે કટ્ટર થઇ ગયાં! આપણે કેટલાં વામણાં થતાં જઈએ છીએ! યુવાન ભાઈ-બહેનોને મારે કહેવું છે કે કોઈ ગ્રુપમાં બંધાયા વિના નિજતાથી હરિનામ લો.

- સંકલન : જયદેવ માંકડ