Sat Sep 12 2026

Logo

યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાનમાં સૈન્ય હેલિકોપ્ટર થયું ક્રેશ; પાઇલટ સહિત ચારનાં મોત

Tehran   2026-02-24 15:05:00
Author: Devayat Khatana
યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાનમાં સૈન્ય હેલિકોપ્ટર થયું ક્રેશ; પાઇલટ સહિત ચારનાં મોત

તહેરાન: એકતરફ ઈરાન અને અમેરિકામાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તેવા સમયે ઈરાનનામાં સેનાનું એક હેલિકોપ્ટર તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. માર્યા ગયેલા લોકોમાં હેલિકોપ્ટરના પાઇલટ અને કો-પાઇલટ ઉપરાંત બે લોકોનો પણ સમાવેશ થાય છે. રાજધાની તહેરાનથી આશરે 330 કિલોમીટર દક્ષિણમાં આવેલા દોરચેહ નગરમાં આ દુર્ઘટના બની હતી.  

અહેવાલો અનુસાર, આ સૈન્ય હેલિકોપ્ટર તે સમયે ટ્રેનિંગ મિશન પર હતું, જ્યારે તે અચાનક ગીચ બજાર વિસ્તારમાં ખાબક્યું હતું. હેલિકોપ્ટર પડતાની સાથે જ બજારમાં આગ લાગી હતી અને આસપાસના વિસ્તારમાં કાટમાળ વિખરાઈ ગયો હતો. 

સ્ટેટ ટેલિવિઝન પર પ્રસારિત થયેલા ફૂટેજમાં ઘટનાસ્થળેથી કાળા ધુમાડાના ગોટા ઉડતા અને બજારમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર ફાઇટર અને ઇમરજન્સી સેવાઓએ તાત્કાલિક પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ હેલિકોપ્ટર ઈરાની સેનાની એરફોર્સનું હતું. પ્રાથમિક તપાસમાં અકસ્માત પાછળ 'તકનીકી ખામી' જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

જોકે, સત્તાવાળાઓએ હજુ સુધી અકસ્માતના ચોક્કસ કારણો અંગે કોઈ વિગતવાર અહેવાલ જાહેર કર્યો નથી અને આ મામલે ઊંડી તપાસના આદેશો આપવામાં આવ્યા છે. બજાર જેવા ગીચ વિસ્તારમાં વિમાન પડવાના કારણે જાનહાનિ અને મિલકતને મોટું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.