Sat Aug 15 2026

Logo

બોપલ-ઘુમા સુધી મેટ્રો ટ્રેન શરૂ થશે, જાણો કયો હશે રૂટ

2026-08-14 12:22:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ 2030ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં વિકાસના કામો વેગ પકડી રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદના બોપલ અને નેહરુનગરને  મેટ્રો કનેક્ટિવિટી મળશે.  બોપલના વકીલ બ્રિજ-બદરાબાદ કોરિડોર 6 સ્ટેશનો સાથે 12.38 કિમી લાંબો હશે, જ્યારે નેહરુનગર-મલેક સાહેબાન સ્ટેડિયમ કોરિડોર 15 સ્ટેશનો સાથે સૌથી લાંબો 21.6 કિમીનો રહેશે.

60 કિલોમીટર લાંબા ફેઝ-3માં સર્ક્યુલર રૂટ પર 42 સ્ટેશનો

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂ. 2825 કરોડના ખર્ચે સાકાર થનારા ફેઝ-૩ના વિસ્તરણ માટે પ્રારંભિક કામગીરી તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત ફેઝ-3B અને 3C ના મુખ્ય વિસ્તારો તેમજ ગ્યાસપુર ડેપો ખાતે ભૂગર્ભ યુટિલિટીઝના સ્થળાંતર માટે રૂ. 35.81 કરોડના મૂલ્યના ચાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. 60 કિલોમીટર લાંબા ફેઝ-3માં સર્ક્યુલર રૂટ પર 42 સ્ટેશનો હશે અને આ નેટવર્ક ધોલેરા એરપોર્ટ તરફ પણ લંબાય તેવી શક્યતા છે.

કન્સલ્ટન્ટ્સની નિમણૂકની પ્રક્રિયા શરૂ 

ફેઝ-3 હેઠળ ત્રણ મેટ્રો-કમ-રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમહાઇબ્રિડ કોરિડોર માટે ડિઝાઇન કન્સલ્ટન્ટ્સની નિમણૂકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ત્રણેય કોરિડોર સંયુક્ત રીતે 48.48 કિલોમીટરનું અંતર આવરી લેશે અને તેમાં 32 એલિવેટેડ સ્ટેશનો હશે. વકીલ બ્રિજ – બદરાબાદ કોરિડોર 12.38 કિમી લાંબો હશે અને તેમાં 6 સ્ટેશનો હશે. APMC – રાખિયાલ કોરિડોર 11 સ્ટેશનો સાથે 14.5 કિમીનું અંતર આવરી લેશે. જ્યારે મલેક સાહેબાન સ્ટેડિયમ – નેહરુનગર કોરિડોર સૌથી લાંબો 21.6 કિમીનો રહેશે અને તેમાં 15 સ્ટેશનો હશે. આ પ્રસ્તાવિત હાઇબ્રિડ કોરિડોર અમદાવાદના શહેરી વિસ્તારો અને વ્યાપક પ્રાદેશિક પરિવહન નેટવર્ક વચ્ચે ઝડપી જોડાણ પૂરું પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે શહેરના આયોજિત મેટ્રો વિસ્તરણમાં પ્રાદેશિક ગતિશીલતાનું નવું પરિમાણ ઉમેરશે.

યુટિલિટી-શિફ્ટિંગની કામગીરી 10 મહિનામાં કરવી પડશે પૂરી

યુટિલિટી-શિફ્ટિંગની કામગીરીમાં પિલર્સ, વાયાડક્ટ્સ અને સ્ટેશનોનું બાંધકામ શરૂ થાય તે પહેલાં વીજળી, પાણી, ગેસ, ગટર અને ટેલિકોમ લાઈનોનું સ્થળાંતર સામેલ છે. આ પ્રારંભિક કામગીરીનો હેતુ રસ્તાઓનું વારંવાર થતું ખોદકામ અટકાવવાનો અને સિવિલ કન્સ્ટ્રક્શન દરમિયાન થતા વિલંબને ઘટાડવાનો છે. જે પૈકી રૂ. 13.82 કરોડનું સૌથી મોટું ટેન્ડર APMC–પ્રકાશનગર–વાડજ સ્ટ્રેચ પર યુટિલિટી શિફ્ટિંગ માટે છે. જ્યારે રૂ 13.17 કરોડનું ટેન્ડર પ્રકાશનગર–વાડજ સ્ટેશન લિંક માટે બહાર પાડવામાં આવ્યું છે. રૂ. 7.89 કરોડનું ટેન્ડર ફેઝ-૩B હેઠળ કેનાલ રોડથી બદરાબાદ ડેડ એન્ડ સુધીના યુટિલિટી શિફ્ટિંગ માટે અંદાજવામાં આવ્યું છે. આ તમામ કામગીરી પૂર્ણ કરવા માટે 6 થી 10 મહિનાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.

પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ  દ્વારા આ ત્રીજા તબક્કાને મંજૂરી આપી દેવામાં આવી છે, જે હવે આખરી મંજૂરી માટે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ આયોજિત 60 કિમીનો સર્ક્યુલર રૂટ સમગ્ર અમદાવાદમાં કનેક્ટિવિટી મજબૂત બનાવશે અને સાથે સાથે પ્રસ્તાવિત ધોલેરા એરપોર્ટ લિંક તરફ પણ મેટ્રો નેટવર્કનો વિસ્તાર કરશે.