Thu Apr 23 2026

Logo

નાણાકીય વર્ષ 2026માં મારુતિ સુઝુકીનું વિક્રમ 23.4 લાખ યુનિટનું ઉત્પાદન

2026-04-23 19:23:42
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી લિ.નું ગત નાણાકીય વર્ષ 2025-26માં વાર્ષિક ધોરણે કારનું ઉત્પાદન 23.4 લાખ યુનિટની વિક્રમ સપાટીએ રહ્યું હતું. સોસાયટી ઑફ ઈન્ડિયન ઑટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિઆમ)નાં મતાનુસાર પેસેન્જર વાહનોનું ઉત્પાદન કરતી આ એક માત્ર એવી કંપની છે જેનું વાર્ષિક ધોરણે ઉત્પાદન આ સપાટીએ પહોંચ્યું હોય, એમ મારુતિ સુઝુકી લિ.એ એક યાદીમાં જણાવ્યું હતું. 

વધુમાં આ કંપની સુઝુકી મોટર કોર્પોરેશનની વૈશ્વિક ઑટોમોબાઈલ ઉત્પાદન સુવિધાઓમાં ઉત્પાદનનો આ સિમાચિહ્નરૂપ આંક હાંસલ કરનારી આ એકમાત્ર કંપની બની હોવાનું યાદીમાં ઉમેર્યું હતું. વિક્રમજનક ઉત્પાદન અંગે મારુતિ સુઝુકી લિ. નાં મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર હિશાશી ટેકેઉચીએ જણાવ્યું હતું કે કોઈપણ દેશમાં ઉત્પાદનનો આટલો મોટો આંક હાંસલ કરનાર બહુ જૂજ કંપની છે. 

કંપનીના જણાવ્યાનુસાર ગત સાલ ઉત્પાદનમાં ડીઝાયર, ફ્રોન્ક્સ, સ્વિફ્ટ, અર્ટિગા અને બલેનો મૉડૅલ મુખ્ય રહ્યા હતા અને પ્રત્યેક મૉડલનું ઉત્પાદન બે લાખ નંગ કરતાં વધુ રહ્યું હતું. હાલમાં કંપનીની ઉત્પાદન સુવિધા ચાર એકમોમાં છે જેમાં હરિયાણામાં ગુરગામ, માનેસર અને ખારખોડા તથા ગુજરાતમાં હંસલપુર ખાતે ઉત્પાદન થઈ રહ્યું છે. આ ચારેય એકમોની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 24 લાખ નંગની છે.

આ સિવાય વિસ્તરણના ભાગરૂપે કંપનીએ માર્ચ, 2026માં ગુજરાતનાં સાણંદમાં ખોરાજ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે પાંચમું એકમ સ્થાપવાનો વ્યૂહ ધરાવે છે. આ એકમ સંપૂર્ણપણે કાર્યાન્વિત થતાં તેની ઉત્પાદન ક્ષમતા 10 લાખ યુનિટની થશે.