Mon Jun 08 2026

Logo

પાર્કિંગ ચાર્જના વિવાદમાં પ્રોડ્યુસર અશોક હાંડે પર કરાયો હુમલો

2026-03-05 18:54:18
Author: Yogesh D Patel
Article Image

મુંબઈ: માટુંગા વિસ્તારમાં મરાઠી થિયેટરના પ્રોડ્યુસર અશોક હાંડે પર હુમલો કરવા તેમ જ તેની ઓફિસમાં તોડફોડ કરવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. માહિમ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે માટુંગા પશ્ર્ચિમમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી અશોક હાંડેની ઓફિસમાં 1 માર્ચે આ ઘટના બની હતી.

આ જ વિસ્તારમાં રહેનારો પ્રથમેશ પાંડુરંગ ઉનફોડે ઉર્ફે બંટી (53) બેટ લઇને ઓફિસમાં આવ્યો હતો અને તેણે પ્રથમ ઓફિસનો કાચ તોડી નાખ્યો હતો. દરમિયાન અશોક હાંડે પોતાની કેબિનમાંથી બહાર આવ્યો ત્યારે પ્રથમેશે હાંડે દ્વારા નિર્મિત સાંસ્કૃતિ સ્ટેજ શૉ ‘મરાઠી બાણા’ માટે વપરાતાં વાહનોના પાર્કિંગ ચાર્જની માગણી કરી હતી.

હાંડેએ કહ્યું હતું કે પ્રથમેશને એ વિસ્તાર સાથે કોઇ લેવાદેવા નથી, જ્યાં વાહનો પાર્ક કરાયાં હતાં. હાંડેએ પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યા બાદ પ્રથમેશે તેને કથિત ગાળો ભાંડી હતી અને બેટથી તેના પર હુમલો કર્યો હતો.
ઓફિસમાં હાજર કર્મચારીઓએ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરી હતી, જેને પગલે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પ્રથમેશની ધરપકડ કરી હતી. પ્રથમેશ સામે ગુનો દાખલ કરાયો હોઇ આ પ્રકરણે તપાસ ચાલી રહી છે, એમ પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)