Sat Jul 25 2026

Logo

ટીઈટી પેપર લીક કેસ: માસ્ટરમાઈન્ડ અને તેનો સાથી બિહારમાં પકડાયો

2026-07-25 16:43:51
Author: Yogesh C. Patel
Article Image

થાણે: મહારાષ્ટ્ર ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટીઈટી) 2026ના પેપર લીક કેસની તપાસ કરનારી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) કથિત માસ્ટરમાઈન્ડ સહિત બેને બિહારમાં પકડી પાડ્યા હતા.ભિવંડી ઝોન-2ના ડેપ્યુટી પોલીસ કમિશનર પવન બનસોડેએ જણાવ્યું હતું કે વિજયેન્દ્રકુમાર ગુપ્તા ઉર્ફે બિજેન્દ્ર કુમાર ગુપ્તા અને તેના સાથી ઈન્દ્રજિત સિંહને શુક્રવારે બિહારમાં તાબામાં લેવાયા હતા. બન્નેને શનિવારે પુણે લાવવામાં આવ્યા પછી ભિવંડી લવાયા હતા. ધરપકડ પછી કોર્ટમાં હાજર કરી બન્નેની પોલીસ કસ્ટડી મેળવવામાં આવી હતી.

બિહારથી પકડાયેલા બન્ને આરોપી સાથે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 14 થઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.ડીસીપીના જણાવ્યા મુજબ ટીઈટી પેપર સાથે ભિવંડીમાં શકમંદો પકડાયા પછી આ કેસની તપાસ એસઆઈટીને સોંપાઈ હતી. તપાસ દરમિયાન આંતરરાજ્ય પેપર લીક નેટવર્કના ચીફ કોઓર્ડિનેટર તરીકે ગુપ્તાનું નામ સામે આવ્યું હતું. ફરાર થઈ ગયેલા ગુપ્તાને પોલીસ અમુક સપ્તાહથી શોધી રહી હતી.

આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા આરોપીઓમાં રાજીવ શૉ, આકાશ કુમાર, ધીરજ સિંહ, સોનુ સિંહ, મિથુન સિંહ, કપિલ દહિયા, ગુપ્તાની પત્ની સુમન કુમારી ગુપ્તા તેમ જ આગરાની ખાનગી પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારીઓ નરેશકુમાર માહોરે, સંજયકુમાર શર્મા અને બાબુલાલ કુશવાહાનો સમાવેશ થાય છે.ભિવંડી પોલીસે આધારભૂત માહિતીને આધારે 27 જૂને છટકું ગોઠવી ભિવંડી પરિસરમાંથી શકમંદોને પકડી પાડી તેમની પાસેથી ટીઈટીના પ્રશ્ર્નપત્રોની નકલ જપ્ત કરી હતી. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)