Wed Sep 02 2026

Logo

માત્ર 10 વર્ષની વયે ઝાડ નીચે લટકતા માઈક પર ગાયું હતું પ્રથમ ગીત, જાણો આશાજીનો સંઘર્ષ

2026-04-12 22:07:00
Author: Devayat Khatana
માત્ર 10 વર્ષની વયે ઝાડ નીચે લટકતા માઈક પર ગાયું હતું પ્રથમ ગીત, જાણો આશાજીનો સંઘર્ષ

મુંબઈ: ભારતીય સંગીત જગતનો એક સુવર્ણ યુગ આજે આથમી ગયો છે. સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે મલ્ટીપલ ઓર્ગન ફેલિયરના કારણે નિધન થયું હતું. ગઈકાલે રાતે ઇન્ફેક્શનના કારણે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. લતા મંગેશકરના નાની બહેન આશાજીના નિધનથી સમગ્ર કલા જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. 8 દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે 12 હજારથી વધુ ગીતો ગાઈને અનેક પેઢીઓના દિલ જીત્યા છે.

આશા ભોસલેની સફર સંઘર્ષ અને મક્કમતાની મિસાલ રહી છે. તેમણે માત્ર 10 વર્ષની ઉંમરે વર્ષ 1943માં કારકિર્દીનું પ્રથમ ગીત રેકોર્ડ કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે તેમનું પ્રથમ ગીત હિન્દી નહીં પણ મરાઠી ફિલ્મ ‘માઝા બાલા’ માટેનું ‘ચલા ચલા નવ બાલા’ હતું. પોતાની મોટી બહેન લતાજીની સફળતા વચ્ચે આશાજીએ પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે ઘણો પરિશ્રમ કર્યો હતો. તેમનું પ્રથમ હિન્દી ગીત ‘સાવન આયા’ વર્ષ 1948માં ફિલ્મ ‘ચુનરિયા’ માટે રેકોર્ડ થયું હતું.

તેમના પ્રથમ ગીતના રેકોર્ડિંગનો કિસ્સો આજે પણ અદ્ભુત માનવામાં આવે છે. આશાજીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તે સમયે કોઈ આલીશાન સ્ટુડિયો નહોતા. અંધેરીના મોહન સ્ટુડિયોમાં ભીડ હોવાને કારણે તેમણે ખુલ્લામાં એક ઝાડ નીચે ઊભા રહીને ગીત ગાવું પડ્યું હતું. માઈક ઝાડની ડાળી પર લટકાવેલું હતું અને ઓર્કેસ્ટ્રા અંદર બેઠું હતું. માત્ર 10 વર્ષની ઉંમરે ગીત ગાતી વખતે તે સમયે આશાજી ધ્રૂજી રહ્યા હતા, પરંતુ એ રેકોર્ડિંગ બાદ તેમને વિશ્વાસ બેઠો કે તેઓ પણ દીદીની જેમ ગાઈ શકે છે.

આશાજીએ યાદ કર્યું હતું કે વહેલી સવારે 4 વાગ્યા સુધી રેકોર્ડિંગ ચાલતું હતું, જેમાં કાગડાઓનો અવાજ, રસ્તા પર પસાર થતી ગાડીઓ અને ટ્રેનનો ઘોંઘાટ સતત ખલેલ પહોંચાડતો હતો. જ્યારે પણ કોઈ બહારનો અવાજ આવે ત્યારે રેકોર્ડિંગ અટકાવી ફરીથી શૂન્યથી શરૂઆત કરવી પડતી હતી.