Mon Oct 05 2026

Logo

બ્રાઝિલની મહિલા બોલરે ટી-20માં રચ્યો ઇતિહાસ, એક મૅચમાં આટલી વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી!

Dubai   2026-04-09 19:20:17
Author: Ajay Motiwala
બ્રાઝિલની મહિલા બોલરે ટી-20માં રચ્યો ઇતિહાસ, એક મૅચમાં આટલી વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી!

દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)નું હેડ-ક્વૉર્ટર દુબઈમાં છે અને હાલમાં અમેરિકા-ઇઝરાયલ સામેના ઇરાનના યુદ્ધ વચ્ચે ઘેરાયેલા દુબઈથી ક્રિકેટને લગતો સનસનાટીભર્યો અહેવાલ મળ્યો છે જેમાં (આઇસીસીના અહેવાલમાં) જણાવાયું છે કે બ્રાઝિલ (Brazil)ની પેસ બોલિંગ ઑલરાઉન્ડર લૉરા કાર્ડોસો (Laura Cardoso) એક ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચમાં નવ વિકેટ લેનાર વિશ્વની પહેલી ખેલાડી બની છે. કોઈ બોલરે ટી-20 ઇન્ટરનૅશનલ મૅચમાં નવ વિકેટ લીધી હોય એવું પુરુષ અને મહિલા, બન્ને વર્ગની ક્રિકેટમાં પહેલી જ વખત બન્યું છે. દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલની મહિલા ક્રિકેટરે સનસનાટીભરી સિદ્ધિ હાંસલ કરીને પુરુષ ક્રિકેટરોને પણ ઝાંખા પાડી દીધા છે.

ચાર રનમાં લીધી નવ વિકેટ

21 વર્ષની લૉરા કાર્ડોસો (3-2-4-9) ગુરુવારે નવ વિકેટ લઈને રેકૉર્ડ-બુકમાં આવી ગઈ. તેણે લેસોથો ટીમ સામેની મૅચમાં આ નવ વિકેટ ત્રણ ઓવરમાં ફક્ત ચાર રનના ખર્ચે લીધી હતી. તેણે આ અસાધારણ સિદ્ધિ ગૅબોરૉન ગ્રાઉન્ડ પર બૉટ્સવાના ક્રિકેટ અસોસિયેશન (બીસીએ) દ્વારા આયોજિત બીસીએ કલાહરી વિમેન્સ ટી-20 ટૂર્નામેન્ટમાં મેળવી હતી.

મેન્સ, વિમેન્સ ક્રિકેટનો એકઝાટકે વિક્રમ તોડ્યો

આ પહેલાં, એક ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચમાં સૌથી વધુ આઠ વિકેટ લેવાનો વિશ્વવિક્રમ ભુતાનના સોનમ યેશેના નામે હતો જેણે મેન્સ ક્રિકેટમાં 2025ની સાલમાં મ્યાનમાર સામેની મૅચમાં આઠ વિકેટ લીધી હતી. આઇસીસીના જણાવ્યા મુજબ મહિલા ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સાત વિકેટ લેવાનો વર્લ્ડ રેકૉર્ડ ઇન્ડોનેશિયાની રોહમાલિયાના નામે હતો. તેણે 2024માં મોંગોલિયા સામેની મૅચમાં એક પણ રનના ખર્ચ વગર સાત વિકેટ લીધી હતી.

બ્રાઝિલના 202 સામે લેસોથો 13 રનમાં આઉટ

બ્રાઝિલવાળી મૅચમાં બ્રાઝિલની ટીમે 202 રન કર્યા હતા જેના જવાબમાં લેસોથોની ટીમ 6.2 ઓવરમાં ફક્ત 13 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને બ્રાઝિલે 189 રનથી વિક્રમજનક જીત હાંસલ કરી હતી. લૉરા કાર્ડોસોએ બીજી ઓવરમાં હૅટ-ટ્રિક લીધી હતી. ચોથી ઓવરમાં તેણે ચાર વિકેટ લીધી એટલે કુલ વિકેટોની સંખ્યા સાત ઉપર પહોંચી હતી. છઠ્ઠી ઓવરમાં તેણે વધુ બે વિકેટ લીધી હતી. એ રીતે, તેણે ત્રણ ઓવરમાં નવ વિકેટ મેળવી હતી. 10મી વિકેટ મૅરિયેન આર્ટર નામની બોલરે લીધી હતી.