ભુજ: રાજ્યમાં ફરી એકવાર ગૌરક્ષાને લઈ સવાલ ઊભા થાય એવો કિસ્સો સામે આવ્યો છે. ગાયના ભેદી રીતે મોતની આ કોઈ પહેલી ઘટના નથી. ભૂજ પાસેના રાપર તાલુકાના છેવાડાના ધોરાવર ગામના સીમાડામાં રાત્રિના સમયે ચરિયાણ અર્થે ગયેલી 6 ગાયોના અચાનક ભેદી રીતે મોત નીપજતાં માલધારી સમાજ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. માલધારી સમાજને ક્યારેય ભરી ન શકાય એવી ખોટ ઊભી થઈ છે. માત્ર આર્થિક રીતે જ નહીં પણ અન્ય રીતે પણ મોટું નુકસાન ગયું છે, કારણ કે આ જ ગાય થકી એમના નાના પશુપાલનના વ્યવસાય ચાવલા હોય છે.
મોડી રાત સુધી ન આવી પાછી
કરુણ ઘટનાની વિગતો મુજબ, ધોરાવરના માલધારી શકુર માણસીંગની ગાયો નિત્યક્રમ મુજબ રાત્રિના ભાગે સીમાડામાં ચરવા માટે ગઈ હતી. મોડી રાત સુધી ગાયો પરત ન ફરતાં માલિક અને સ્થાનિકોએ સીમાડામાં શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ગામથી થોડે દૂર 6 ગાયો મૃત હાલતમાં મળી આવી હતી. આવું કેવી રીતે બન્યું અને આ પાછળ કોણ જવાબદાર એ ખરેખત તપાસનો વિષય છે.
માલધારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, સીમાડા કે આસપાસના ખેતરોમાં કોઈ ઝેરી અથવા હાનિકારક પદાર્થ આરોગી જવાથી આ ગાયોના કરુણ મોત નીપજ્યા છે. એક સાથે 6 ગાયોના મોત થતાં પશુપાલકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવ અંગે પશુપાલન વિભાગ તથા સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠી છે.
ઉત્સવ વૈદ્ય