Sun Aug 30 2026

Logo

છલકાયું ફિલ્મ મેકર કરણ જોહરનું દર્દ, કહ્યું અહીંયા કોઈ કોઈનું નથી...

2026-02-27 18:02:00
Author: Darshana Visaria
છલકાયું ફિલ્મ મેકર કરણ જોહરનું દર્દ, કહ્યું અહીંયા કોઈ કોઈનું નથી...

બોલીવૂડ એ એક એવી ઈન્ડસ્ટ્રી છે કે જ્યાં સંબંધોના સમીકરણો જેટલા દિવસે ના બદલાતા હોય એટલા રાતે બદલાતા હોય છે. એક સમયના મિત્રો અચાનક દુશ્મન બની જાય છે અને એક સમયના દુશ્મન અચાનક મિત્રો બની જાય કંઈ જ કહેવાય નહીં. આવું જ કંઈક ઈન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મ મેકર કરણ જોહર સાથે પણ બન્યું છે. હાલમાં  ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓ અને કલાકારો વચ્ચેના સંબંધોને લઈને નવી ચર્ચા છેડાઈ ચૂકી છે આ સાથે જ કરણ જોહરનું સ્ટેટમેન્ટ પણ વાઈરલ થઈ રહ્યું છે કે અહીં કોઈ કોઈનું સગું નથી. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી...  

મળતી માહિતી અનુસાર અત્યાર સુધી બોલીવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરનું કરિયર કરણ જોહરની એજન્સી 'ધર્મા કોર્નરસ્ટોન આર્ટિસ્ટ' (DCAA) સંભાળતી હતી પણ જ્હાન્વીએ ડીસીએએનો સાથ છોડી દીધો છે. જ્હાન્વી હવે 'કલેક્ટિવ આર્ટિસ્ટ નેટવર્ક'માં જોડાઈ ગઈ છે. જોકે, જ્હાન્વી પહેલાં રણવીર સિંહ અને પરિણીતી ચોપરા જેવા કલાકારોએ પણ વર્ષો જૂની વાયઆરએફ ટેલેન્ટ એજન્સી સાથેનો છેડો ફાડ્યો હતો.

ફિલ્મ મેકર કરણ જોહરે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં બોલીવૂડની આ ઈનસિક્યોરિટીઝ અને તકવાદી દુનિયા વિશે દિલ ખોલીને વાત કરી હતી. કરણ જોહરે જણાવ્યું હતું કે, ટેલેન્ટ મેનેજમેન્ટ એ એક એવું કામ છે જેમાં કોઈનો આભાર માનવામાં આવતો નથી. હકીકત એ છે કે કોઈ વફાદાર નથી. કલાકારો દર બે વર્ષે એક એજન્સીમાંથી બીજી એજન્સીમાં દોડતા રહે છે કારણ કે તેઓ પોતાની કરિયરને લઈને અસુરક્ષિત હોય છે. તમે કોઈ ટેલેન્ટ પાછળ તમારા જીવનના બે વર્ષ ખર્ચો છો અને અચાનક તે તમારો સાથ છોડીને કોઈ બીજાનો હાથ પકડી લે. 

કરણ જોહરે આ ઈન્ટરવ્યુમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે હવે માત્ર કલાકારોના કમિશન પર નિર્ભર રહીને પૈસા કમાવા મુશ્કેલ છે. કલાકારો પરના કમિશનથી કંઈ નહીં મળે કારણ કે અહીંયા કોઈ કોઈનું નથી. કરણના મતે, હવે એજન્સીઓ ઈક્વિટી પાર્ટનરશિપ તરફ વળી રહી છે કારણ કે કલાકારો ગમે ત્યારે સાથ છોડી શકે છે.

કરણ જોહરે ટેલેન્ટ મેનેજમેન્ટને એક મુશ્કેલ કામ જણાવ્યું હતું કે, આ બિઝનેસનો 90 ટકા હિસ્સો તો કલાકારોના ઈગો અને તેમની ઈનસિક્યોરિટીઝને સાચવવા અને સંભાળવામાં જતો રહે છે. જો તમે તેને માત્ર બિઝનેસની રીતે જોશો તો કંઈ જ હાથમાં નહીં આવે. 

કરણ જોહરે ઈન્ડસ્ટ્રીના પોતાના 31 વર્ષના અનુભવ વિશે વાત કરતા કરણે કહ્યું કે, હવે તે સફળતા અને નિષ્ફળતા પ્રત્યે સહજ થઈ ગયો છે. તેમણે ઉમેર્યું હતું કે મારી ખુશી કે દુઃખ મારી સફળતા-નિષ્ફળતાનું પરિણામ ન હોઈ શકે, કારણ કે જો એવું હોત તો હું ક્યારનોય આઈસીયુમાં પહોંચી ગયો હોત.