Sat Oct 03 2026

Logo

ભલે પધાર્યાઃ જૂનાગઢ પાસેના ગામમાં જમણવારમાં સાવજો લટાર મારી ચાલ્યા ગયા...

2026-02-16 20:17:09
Author: pooja shah
ભલે પધાર્યાઃ જૂનાગઢ પાસેના ગામમાં જમણવારમાં સાવજો લટાર મારી ચાલ્યા ગયા...

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
આજે પણ નાના ગામોમાં લગ્ન સમારંભમાં જો તમે ચડી જાવ તો તમને પણ મીઠો આવકાર આપે તેવી ભાવના હોય છે, પરંતુ અહીં તો વનરાજા બણબોલાવ્યા મહેમાન થઈને જઈ ચડ્યા હોય તેવી ઘટના બની હતી. 

જૂનાગઢ જિલ્લાના પ્લાસવા ગામે એક લગ્ન સમારંભનું આયોજન થયું હતું. અહીં મંડપ બંધાયો હતો અને જમણવારની તૈયારીઓ થઈ રહી હતી ત્યાં અચાનક બે ત્રણ સિંહ આવી ચડ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. 


વીડિયોમાં જોઈ શકાય છે કે મંડપમાં ભોજનની તૈયારી થઈ રહી છે અમુક લોકો કામ કરી રહ્યા છે અને અચાનક ત્રણ-ચાર સિંહ આવી ચડે છે. આટલા લોકને જોયા બાદ પણ તેઓ આરામથી ટહેલે છે. આસપાસના શ્વાનોનો ભસવાનો અવાજ આવે છે. સિંહોને આમ ફરતા જોઈને ત્યાં હાજર લોકો એકબાજુ થઈ જાય છે. અમુક લોકોએ વીડિયો ઉતાર્યો હોવાથી આ ઘટના બહાર આવી હતી. 

અગાઉ આ વીડિયો ભાવનાથના મેળાના અન્નક્ષેત્રનો હોવાની ખોટી માહિતી પ્રસરી હતી, પરંતુ આ વીડિયો પ્લાસવા ગામનો છે. સામાન્ય રીતે સિંહો લોકો જૂએ, લાઈટ્સ જૂએ તો આવતા નથી, પરંતુ આ સિંહોને જાણે કોઈ ફરક પડતો ન હોય અને મહેમાન બનીને લગ્નપ્રસંગમાં ભાગ લેવા આવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. 

આ ગામ જંગલ વિસ્તારની ખૂબ જ નજીક છે. જંગલની બહારના વિસ્તારમાં સિંહોની હાજર ખૂબ જ સામાન્ય થઈ હોવાથી ગ્રામજનો પણ હવે ટેવાઈ ગયા છે.