Tue Mar 10 2026

Logo

સત્તા પાસે શાણપણનું ઉત્તમ ઉદાહરણ...

1 week ago
Author: Mumbaisamachar Team
Article Image

 

વલો કચ્છ -ગિરિરાજ

જેઠીબાઈ

પોર્ટુગીઝોના જુલમોને જડબેસલાક વિરોધ કરીને નાબૂદ કરાવી દીધી, આજે દીવના બસ સ્ટેશનનું નામ તો જેઠીબાઈના નામે છે પરંતુ કચ્છમાં? આપણે સૌ જાણીએ છીએ કે ભારતનો દરિયાઈ માર્ગ પ્રથમ શોધનાર ફિરંગીઓ હતા. 1498માં વાસ્કો-દ-ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારથી ફિરંગીઓનો ભારત સાથેનો વેપાર શરૂ થયો. તેમણે ભારત સાથે આશરે એકાદ સદી સુધી ઇજારો રાખ્યો, પરંતુ પછી અન્ય યુરોપિય સત્તાઓના પડકારોને લીધે તેમની આ પદ્ધતિ તૂટી પડી. આમેય ગુલામીના તળે ભારતને ઘણું ભોગવવાનું થયું છે, તેમાં પણ ભાષાકીય, રાજકીય સામાજિક પીડાનું મુખ્ય કારણ બની; ગુલામીની સદંતર પ્રવાહિતા લોકોના ધર્માંતર સુધી અસર પામેલી. દીવમાં આવું જ કઈક હતું. જેમાં અહિંસાના સંગાથી જેઠીબાઈ ખત્રી જે મૂળ કચ્છના હતા અને કચ્છના શૌર્ય, નીડરતાનો ડંકો દીવની ધરતી પર ફિરંગીઓની સામે વગાડયો હતો અને પોર્ટુગીઝો દ્વારા થતી વટાળપ્રવૃત્તિની પ્રથાને જડબેશલાક વિરોધ કરીને નાબૂદ કરાવી દીધી. 

કચ્છ જિલ્લાના માંડવીમા જેઠીબાઈનો જન્મ એક બ્રહ્મક્ષત્રિય (ખત્રી) પરિવારમાં થયો હતો અને તેના પિતાનું નામ વલેરા સવજી હતું. જેઠીબાઈ અને તેના પતિ પુંજા પોતાના પરંપરાગત ધંધાના સહારે રોજગારી અર્થે દીવમાં આવીને વસ્યા અને દીવમાં તેનો રંગરેજનો ધંધો ધમધોકાર ચાલતો હતો, પરંતુ જેઠીબાઈના પતિનું નાની વયે અવસાન થતાં ધંધાની સંપૂર્ણ જવાબદારી જેઠીબાઈના શિરે આવી. જેઠીબાઈ રંગાટકલાના ઉત્તમ જાણકાર હતાં અને એના હાથના રંગેલા પાનેતરનું શુકન પણ મોટું. એટલે તેમના હાથથી રંગેલા પાનેતરની માગ પણ લગ્નોત્સુક ક્ધયાઓ દ્વારા બહોળા પ્રમાણમાં રહેતી. 

પોર્ટુગીઝોએ ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે ફરમાન બહાર પાડ્યું હતું કે ખ્રિસ્તી ધર્મ સિવાયના અન્ય કોઈ બાળકને પરણાવ્યાં પહેલા જો તેના માતા -પિતા અવસાન પામે તો તે અનાથ બાળકનો કબજો પોર્ટુગીઝ સરકાર લઈ લેશે અને તેને ખ્રિસ્તી બનાવી દેવામાં આવશે. આવો જ એક કિસ્સો જેઠીબાઈના કારખાનામાં બન્યો, ત્યારે બાળકને ધર્માંતર કરતાં જેઠીબાઈએ બચાવી લીધેલા પણ નક્કી કર્યું કે આ કાળા કાયદાને તે નેસ્તોનાબૂદ કરાવીને રહેશે. તેમણે એક ઓઢણી રંગી તેમાં પોર્ટુગીઝ ભાષામાં ભારતીયોને થતા અન્યાયની વાત લખી. તેમણે પોર્ટુગલ જઈને ત્યાંની રાણી ‘દોનો લુઇઝા દે ગુસમાના’ને મળીને ફરિયાદ કરી. મહારાણીએ ઓઢણીમાં લખેલી વિગત વાંચી પરાણે ખ્રિસ્તી બનાવી દેવાનો કાયદો રદ કર્યો. ત્યારથી પાન દ જેઠી (જેઠીબાઈની ઓઢણી) શબ્દ પ્રચલિત બન્યો. મહારાણીએ ફરમાન કર્યું હતું કે, દરેક અમલદારે જેઠીબાઈના નિવાસસ્થાન પાસેથી પસાર થાય ત્યારે તેમનાં વાહન કે ઘોડા પરથી ઊતરી જઈ, અદબપૂર્વક ચાલવાનું. આવું માન મેળવનાર દીવમાં તે પ્રથમ ભારતીય સન્નારી તો બની રહ્યાં, પરંતુ ભારતભરમાં આવું સન્માન મેળવનાર એક માત્ર કચ્છી મહિલા તરીકેનું સ્થાન અવિચળ રાખ્યું. કહેવાય છે કે જીવનના સાત દાયકા ગાળ્યા પછી ક્ષયરોગના કારણે તેમનું અવસાન થયું. (જેઠીબાઈ અને દીવ વિશે વાંચેલી નોંધોમાંથી સાભાર.)

જેઠીબાઈ એક એવું ઉદાહરણ છે જેને દરેક સંદર્ભમાં લઈ શકાય તેમ છે. આજની આધુનિક નારીની છબી જોઈએ તો તે સ્વતંત્ર હોય, કસબી હોય, નીડર હોય, સાહસિક હોય વગેરે. આજથી ત્રણસો વર્ષ પહેલા એક સ્ત્રી જે બાંધણીકળાની બેનમૂન કારીગર હતી, ઉદ્યોગ સાહસિક હતી, ક્રાંતિકારી વીરાંગના હતી. ગાંધીજીએ જે અહિંસાના પગલે સ્વાતંત્ર્ય ચળવળ લડી એ અહિંસાના મૂળ કચ્છી જેઠીબાઈએ સદીઓ પહેલા વાવી દીધેલાં અને જુલમી કાયદાને રદ કરાવીને નારીશક્તિની ઓળખાણ આપી હતી. તે નીડર તો હતાં જ પણ એક નારી તરીકે જુલમોની વેદનાની તમામ હદોને સાર્થક કરી શક્યાં. તેણે પરંપરાગત કળાનો ઉપયોગ કર્યો, જે વિદેશી ધરતી પર તેમની બાંધણીકળાના કામણ પથરાતા હતા ત્યાં જઈને અત્યાચાર સામે અવાજ ઉઠાવવાની હિંમત તેમણે કરી. 

એ મહિલાએ વીરાંગના બનીને પોર્ટુગલ સરકાર સામે ટક્કર ઝીલી કચ્છનું નામ રોશન કર્યું છે. 1893ની 15 ઑગસ્ટે તે કચ્છી વીર મહિલાની સ્મૃતિમાં દીવમાં એક બસ-સ્ટેશનને તેમનું નામ પણ આપવામાં આવ્યું. પોર્ટુગીઝ શાસિત પૂર્વ આફ્રિકામાં જ્યારે પ્રમુખ માર્શલ કર્મોન લિસ્બનથી ત્યાં 1839માં ગયા હતા ત્યારે ત્યાં એક વિશાળ સભાખંડને ‘જેઠીબાઈ સભાખંડ’ નામ પણ આપ્યું હતું. એ સિવાય લિસ્બનમાં રાષ્ટ્રીય તૈલચિત્ર મ્યુઝિયમમાં જેઠીબાઈની ઓઢણી હજી પણ અકબંધ સાચવી રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.

દીવમાં ઝાંપા રોડને ‘જેઠીબાઈ માર્ગ’ એવું નામ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, શહેરમાં દોડતી બસો પર પણ જેઠીબાઈ ટ્રાન્સપોર્ટ એવું વાંચવા મળે છે, પરંતુ દુ:ખની વાત એ છે કે તે અભૂતપૂર્વ મહિલા જેઠીબાઈની યાદગીરીરૂપે તે મહિલાનો જ્યાં જન્મ થયો હતો એ કચ્છના માંડવી શહેરમાં તેમની સ્મૃતિમાં કોઈ માર્ગને નામ આપવાનું તો બાજુએ રહ્યું, પણ તેમના સ્મૃતિ સ્મારકના કોઈ અવશેષ જોવા નથી મળતા. બીજી બાજુ દીવમાંના તેમના નિવાસસ્થાનને ‘સ્મારક’ બનાવવાનું તેમ જ તેમની જન્મ અને મૃત્યુની તિથિઓ ઊજવવાનું પણ ત્યાંની નગરપાલિકાએ ઠરાવ કર્યો છે. પણ અફસોસની વાત એ છે કે તે પ્રતિભાની તિથિઓ કે તારીખો ક્યાંય ઉપલબ્ધ નથી. વિસ્મૃતિનો અભિશાપ આપણાં સમાજની આદત બની ગઈ છે અને દસ્તાવેજીકરણના મહત્ત્વને સમજણમાં લઈએ તે પહેલા જ પાત્ર ઐતિહાસિક બની જાય જેના કારણે કચ્છની ‘જેઠી’ જેવી અનેક બાઈયું ગુમનામ હશે, છે કે થશે. (પ્રસ્તુત તસવીર અમદાવાદના પ્રખ્યાત ઇજનેર રામચંદ્ર નરશીના પુત્ર ખૂમચંદના ધર્મપત્ની દેવકોરબાઈ દ્વારા એક સંદર્ભમાં રજૂ થયેલી મેળવી શકાઈ છે.)