દિલ્હી: જામિયા મિલિયા ઇસ્લામિયામાં વિદ્યાર્થી રાજકારણ સતત સક્રિય રહે છે, આજે યુનિવર્સીટી કેમ્પસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક કાર્યક્રમ મામલે હોબાળો મચી ગયો. કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ વિદ્યાર્થી સંગઠન ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન (AISA) અને અન્ય કેટલાક વિદ્યાર્થી જૂથોએ વિરોધ પ્રદર્શન શરુ કર્યુ હતું અને કાર્યક્રમ શરુ થવા દીધો ન હતો.
અહેવાલો મુજબ, RSSએ તેના શતાબ્દી વર્ષ નિમિત્તે યુનિવર્સીટી કેમ્પસમાં આવેલા FET ઓડિટોરિયમમાં ‘યુવા કુંભ’ નામનાં કાર્યક્રમ આયોજન કર્યું હતું. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સીસ્ટ-લેનિનિસ્ટ CPI(ML)સાથે સંકળાયેલા વિદ્યાર્થી સંગઠન AISA ના બેનર હેઠળ, વિદ્યાર્થીઓએ ઓડીટોરીયમ બહાર વિરોધ શરૂ કર્યો, સૂત્રોચ્ચાર કર્યા.
AISAનું કહેવું છે કે આવા કાર્યક્રમો દ્વારા RSS યુનિવર્સિટીઓમાં તેની વિચારધારા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. RSS કેમ્પસમાં કોમવાદી એજન્ડાને પ્રોત્સાહન આપી રહી છે.
AISA એ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે જામિયા મિલિયા ઇસ્લામિયા વહીવટીતંત્રએ RSSને આ કાર્યક્રમ યોજવાની પરવાનગી આપી છે, જ્યારે કોઈપણ વિદ્યાર્થી સંગઠનને આવા કાર્યક્રમો યોજવાની પરવાનગી મળતી નથી. જામિયા વહીવટીતંત્ર શિક્ષણ અને લોકશાહી સંબંધિત કાર્યક્રમોને મંજૂરી આપતું નથી, પરંતુ RSSને પ્લેટફોર્મ આપી રહ્યું છે, આ બેવડા ધોરણો છે.
AISA એ નિવેદનમાં સ્પષ્ટપણે કહ્યું કે જામિયા સહિત દેશની કોઈપણ યુનિવર્સિટીમાં સાંપ્રદાયિકતા અને હિંસાના રાજકારણ માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ.
વિરોધ કરી રહેલા વિદ્યાર્થી સંગઠનોએ RSSના કાર્યક્રમને દેશમાં સ્વતંત્રતા અને ધર્મનિરપેક્ષ મૂલ્યોને નુકસાન પહોંચડવાનો પ્રયાસ ગણાવ્યો. વિદ્યાર્થી સંગઠનોએ આવા કાર્યક્રમોને અસ્વીકાર્ય ગણાવ્યા.