Sun Jul 26 2026

Logo

જયપુરમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન રિસોર્ટની દીવાલ ધરાશાયી થતાં 3 મજૂરનાં મોત

2026-06-29 16:24:00
Author: Vimal Prajapati
Article Image

PTI


જ્યપુરઃ રાજસ્થાનના જયપુરમાં એક નિર્માણધીન રિસોર્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ચંદવાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તાલામોડમાં એક રિસોર્ટ બની રહ્યો હતો, ત્યાં દુર્ઘટના સર્જાઈ હતી. ચાલુ કામકાજ દરમિયાન એક દીવાલ અચાનક પડી હોવાથી અનેક મજૂરો નીચે દટાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ દુર્ઘટનામાં બે મહિલા સહિત ત્રણ મજૂરના મોત થયાં છે, જ્યારે ચારથી પણ વધારે મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે, જ્યા તેમની સારવાર ચાલી રહી છે. 

ઘટનાસ્થળે બચાવ અને રાહત કાર્યશરૂ કરવામાં આવ્યું

આ સમગ્ર મામલે જાણ થતાની સાથે જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દીવાલની નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે સત્વરે બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક દીવાલ ધરાશાયી થઈ હતી. આ દરમિયાન મજૂરો ત્યાં કામ કરી રહ્યાં હોવાથી તે નીચે દટાઈ ગયાં હતાં. અત્યારે આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે આ નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું તેમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે, નહીં તે મામલે પણ તપાસ કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું. 

આ સમગ્ર ઘટના મામલે જિલ્લા કલેક્ટરનું કહેવું છે, બે મજૂરના મોત થયાં છે, પરંતુ સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે, દીવાલ ધરાશાયી થઈ તેમાં ત્રણ લોકોના મોત થયાં છે. જિલ્લા કલેક્ટરના કહ્યાં પ્રમાણે કાટમાળ નીચે હજી પણ કેટલાક લોકો દટાયેલા હોઈ શકે છે. ડિઝિટલ કેમેરા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે, નીચે કોઈ છે કે નહીં! અત્યારે કલેક્ટરના આદેશ પ્રમાણે બચાવ અને રાહતકાર્ય કરવામાં આવી રહ્યું છે. મોતના આંકડામાં વધારો થશે તેવી આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે કાટમાળ નીચે હજી પણ મજૂરો દટાયેલા હશે તેવું લાગી રહ્યું છે. તંત્ર દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.