Wed Sep 02 2026

Logo

મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન પર શરૂ કરી સૈન્ય કાર્યવાહી

2026-02-28 13:04:00
Author: Tejas Rajpara
મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન પર શરૂ કરી સૈન્ય કાર્યવાહી

વિશ્વભરની નજર અત્યારે મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) પર ટકેલી છે, કારણ કે ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન વિરુદ્ધ 'પ્રિવેન્ટિવ એટેક' એટલે કે અટકાયતી સૈન્ય કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરી છે. શનિવારની વહેલી સવારે ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ આ ઓપરેશનની સત્તાવાર પુષ્ટિ કરી હતી. આ જાહેરાતની સાથે જ ઈઝરાયેલમાં સંભવિત જવાબી હુમલાના ડરથી 'પ્રોએક્ટિવ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે અને સમગ્ર દેશમાં સાયરન વગાડી નાગરિકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચવા સૂચના આપવામાં આવી છે.

મીડિયા અહેવાલો અનુસાર, ઈરાનની રાજધાની તેહરાન ધડાકાઓના અવાજથી ધણધણી ઉઠી છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, શહેરના મધ્ય અને ઉત્તરી ભાગોમાં અનેક શક્તિશાળી વિસ્ફોટો સંભળાયા છે. પ્રાથમિક માહિતી મુજબ, ઈરાનની જાસૂસી સંસ્થાની ઇમારતો, એરપોર્ટ્સ અને રાષ્ટ્રપતિ ભવન સહિત અંદાજે ૩૦ જેટલા વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. જોકે, ઈરાન સરકાર દ્વારા હજુ સુધી જાનમાલના નુકસાન અંગે કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.

બીજી તરફ, ઈઝરાયેલમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરતા ચેતવણી આપી છે કે ઈરાન તરફથી મિસાઈલ કે ડ્રોન હુમલા થઈ શકે છે. સાવચેતીના ભાગરૂપે દેશમાં તમામ સ્કૂલ-કોલેજો અને ઓફિસો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. લોકોને ઘરોમાં રહેવા અને શક્ય હોય ત્યાં સુધી 'વર્ક ફ્રોમ હોમ' કરવા જણાવાયું છે. સાર્વજનિક મેળાવડાઓ પર પ્રતિબંધ મૂકીને સમગ્ર દેશને સુરક્ષા કવચ હેઠળ લઈ લેવામાં આવ્યો છે.

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને મંત્રણા ચાલી રહી હતી. ઈઝરાયેલ સતત દબાણ કરી રહ્યું હતું કે માત્ર યુરેનિયમ સંવર્ધન રોકવું પૂરતું નથી, પરંતુ ઈરાનનું પરમાણુ માળખું અને બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ સંપૂર્ણપણે નાબૂદ થવો જોઈએ. ઈરાને પોતાના મિસાઈલ પ્રોગ્રામ પર કોઈ પણ બાંધછોડ કરવાનો ઈનકાર કર્યો હતો. આ રાજદ્વારી ગૂંચવણો વચ્ચે થયેલા આ હુમલાએ હવે શાંતિની આશા ઓછી કરી દીધી છે અને પ્રાદેશિક યુદ્ધનો ખતરો વધારી દીધો છે.