Fri Sep 04 2026

Logo

ઇશાન કિશનના ઘરે વાગશે શરણાઈ! 6 વર્ષના ડેટિંગ બાદ જયપુરની મોડેલ બનશે દુલ્હન

2026-02-16 14:26:00
Author: Savan Zalariya
ઇશાન કિશનના ઘરે વાગશે શરણાઈ! 6 વર્ષના ડેટિંગ બાદ જયપુરની મોડેલ બનશે દુલ્હન

મુંબઈ: ભારતીય ક્રિકેટર ઇશાન કિશન હાલ શાનદાર ફોર્મમાં છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર પ્રદર્શનને કારણે તે હાલ ચર્ચામાં છે, આ સાથે તે તેની અંગત જીવનને કારણે પણ ચર્ચામાં આવ્યો છે. ઇશાન કિશન ટૂંક સમયમાં લગ્ન બંધને બંધાઈ શકે છે. લગભગ છ વર્ષ સુધી ડેટિંગ બાદ તે જયપુરની મોડેલ અદિતિ હુંડિયા સાથે લગ્ન કરશે, ઇશાનના પરિવારે આ અંગે જાહેરાત કરી છે.  

ઔરંગાબાદના રહેવાસી ઈશાન કિશનના દાદાએ અદિતિનું નામ જાહેર કર્યું છે, તેમણે આ સંબંધ અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે તેમણે ઇશાનને કહ્યું હતું કે તેઓ તેમની પુત્રવધૂનો ચહેરો જોયા વિના આ દુનિયા નથી છોડવા ઈચ્છાતા. આ દરમિયાન ઈશાને તેમને અદિતિ વિશે જાણ કરી હતી.

ઇશાનના દાદાએ જણાવ્યું કે ઈશાનની પસંદગી એ અમારી પસંદગી છે. પરિવારે ખચકાટ વિના આ સંબંધનો સ્વીકાર કર્યો છે. હવે, બંને પરિવારો નિયમિતપણે વાતચીત કરી રહ્યા છે.
ઈશાનનાં પરિવારના જણાવ્યા અનુસાર, વર્ષના અંતમાં અથવા 2027 ની શરૂઆતમાં લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવી શકે છે. ઇશાનના ક્રિકેટ શેડ્યુલને ધ્યાનમાં રાખીને લગ્નની તારીખ નક્કી કરવામાં આવશે.

છ વર્ષથી બંને ડેટ કરી રહ્યા હતાં:
 IPL 2019 દરમિયાન ઈશાન અને અદિતિ ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા શરુ થઇ હતી. ઇશાન જે મેચમાં રમતો હોય એ મેચ દરમિયાન અદિતિ સ્ટેન્ડમાં હાજર દેખાતી હતી, એ સમયે બંનેના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં. 

ગત વર્ષે જ્યારે ભારતીય ટીમના વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ગયેલી ટીમમાં ઇશાન પણ સામેલ હતો. આ સમયે અદિતિ પણ વેસ્ટ ઇન્ડીઝ પહોંચી હતી. 18 જુલાઈના રોજ બંનેએ સાથે ઇશાનનો જન્મદિવસ ઉજવ્યો હતો.  

જો કે બંને એ ક્યારેય જાહેરમાં આ સંબંધની પુષ્ટિ કરી ન હતી, હવે પરિવારે તેની જાહેરાત કરી છે.

કોણ છે અદિતિ હુંડિયા? 
અદિતિ હુંડિયા જયપુરની રહેવાસી છે, તે મોડેલિંગની દુનિયામાં એક જાણીતો ચહેરો છે, તે મિસ દિવા 2018ની વિજેતા રહી ચુકી છે અને ફેમિના મિસ ઇન્ડિયામાં ફાઇનલિસ્ટ પણ રહી ચુકી છે.
અદિતિના પિતા જયપુરનાં એક જાણીતા ઉદ્યોગપતિ છે. તેણે કોલેજના દિવસોમાં મોડેલિંગ શરુ કર્યું હતું, સોશિયલ મીડિયા પર તેનું મોટું ફેન ફોલોઇંગ છે.