બોલીવૂડમાં 'ખલ્લાસ ગર્લ' તરીકે જાણીતી અભિનેત્રી ઈશા કોપીકર અવારનવાર પોતાના રાષ્ટ્રવાદી વિચારો અને બેબાક નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. નીટ પેપર લીક અને વિરોધ પ્રદર્શનો દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પરિવાર વિશે કરાયેલી વાંધાજનક ટિપ્પણીઓની ઈશાએ આકરી ટીકા કરી હતી, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ તેને ઈન્સ્ટાગ્રામ પર 'અનફોલો' કરી દીધી અને 'અંધભક્ત' કહીને બોલાવી.
હવે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં ઈશા કોપ્પીકરે ટ્રોલર્સને કડક જવાબ આપવાની સાથે સોશિયલ મીડિયા ફોલોઅર્સના ડરથી મૌન રહેતા બોલીવૂડ સેલેબ્સ પર પણ આકરા પ્રહારો કર્યા છે. વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી 49 વર્ષીય એક્ટ્રેસે કહ્યું, ઈન્સ્ટાગ્રામ પર ઘણા લોકોએ મને અનફોલો કરી દીધી, પણ મને તેનાથી કોઈ ફરક નથી પડતો. કેટલાક લોકો અનફોલો કરશે તો ઘણા નવા લોકો ફોલો પણ કરશે. લોકોએ મને અંધભક્ત કહી, તો હા, હું છું અંધભક્ત... મારા દેશ માટે! ઈશાએ સ્પષ્ટ કર્યું હતું કે તે પોતાના રાષ્ટ્રવાદી વિચારોથી ક્યારેય પાછળ હટશે નહીં.
સોશિયલ મીડિયાના દબાણમાં જીવતા અને ફોલોઅર્સ ઘટી જવાના ડરથી ચૂપ રહેતા બોલિવૂડ કલાકારો પર તંજ કસતાં ઈશાએ કહ્યું, એક સેલિબ્રિટી તરીકે તમારી પાસે લોકોને પ્રભાવિત કરવાની તાકાત હોય છે. જો હું કોઈ બાબતમાં વિશ્વાસ રાખું છું તો ફેન્સ ગુમાવવાના કે ફિલ્મોના ડરથી ખોટો પ્રભાવ કેમ પાડું? ઘણા સેલેબ્સ ફોલોઅર્સ બચાવવા માટે સત્ય નથી બોલતા. હું એવું ન કરી શકું. પણ જેઓ એવું કરે છે, હું તેમનો પણ આદર કરું છું, એ તેમના સંસ્કાર છે.
જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શનો અને રાજકીય ચર્ચાઓ અંગે વાત કરતાં ઈશાએ જણાવ્યું હતું કે, ભારત એક લોકશાહી દેશ છે અને લોકોને સરકાર સામે સવાલો પૂછવાનો અધિકાર છે, પરંતુ વ્યક્તિગત ગાળાગાળી કે દેશ-વિરોધી વર્તન સાંખી ન લેવાય. તેણે 'તાનાશાહી' શબ્દનો હળવાશથી ઉપયોગ કરનારા લોકોને ચેતવતા કહ્યું, સાચી તાનાશાહી એ છે જ્યાં નાગરિકો સરકારની ટીકા પણ નથી કરી શકતા. ભારતમાં લોકશાહી છે અને તેની સાથે જવાબદારી પણ જોડાયેલી છે, એટલે શબ્દોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ.