Sun Apr 12 2026

Logo

ઇરાનમાં હુમલા થતા હતા ત્યારે પાડોશી ઇરાકમાં ફૂટબોલર્સના માનમાં ફટાકડા ફૂટ્યા, ગનફાયર પણ થયા

Baghdad   2026-04-04 18:36:42
Author: Ajay Motiwala
Article Image

AP


બગદાદઃ પશ્ચિમ એશિયામાં ભીષણ યુદ્ધ ચાલે છે, પરંતુ આ જ પ્રદેશમાં ફૂટબૉલ (Football)ના ખેલાડીઓ અને તેમના અસંખ્ય ચાહકોના ઉત્સાહની કોઈ સીમા નથી અને એનું જીવંત ઉદાહરણ શનિવારે ઇરાકના પાટનગર બગદાદ (Baghdad)માં જોવા મળ્યું હતું. ઇરાક ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં 40 વર્ષે ક્વૉલિફાય થયું છે અને એની શનિવારે બગદાદના મધ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઉજવણી થઈ હતી. લોકોએ ફટાકડા ફોડ્યા હતા, ગનફાયર કર્યા હતા અને લોકો સંગીતના તાલે ઝૂમ્યા હતા.

11મી જૂને અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં શરૂ થનારા ફિફા વર્લ્ડ કપમાં કુલ 48 દેશ ભાગ લેશે. અત્યાર સુધીનો ફૂટબૉલનો આ સૌથી મોટો વિશ્વ કપ છે અને એમાં રમવાલાયક થનાર ઇરાકની ટીમ 48મી છે. અમેરિકા અને ઇઝરાયલનું ઇરાન સામે યુદ્ધ ચાલે છે અને એમાં ઇરાન દ્વારા અખાતના દેશોમાં તેમ જ ઇરાકમાં અમેરિકી સ્થાનો પર ઘાતક હુમલા કરવામાં આવી રહ્યા છે.

AP

જોકે આ વિકટ પરિસ્થિતિમાં પણ શનિવારે બગદાદમાં ઇરાકના ફૂટબોલર્સની ઓપન-ટૉપ બસ પરેડ નીકળી હતી. હજારો ફૂટબૉલપ્રેમીઓ રસ્તા પર ઊમટી પડ્યા હતા. કોઈક સ્થળે રસ્તાની બાજુમાં ઇરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખામનેઇની વિશાળ તસવીરવાળું પોસ્ટર હતું તો બીજી તરફ ઇમારતોની બાલ્કનીમાંથી અસંખ્ય લોકો પરેડ જોઈ રહ્યા હતા.

આ પહેલાં ઇરાકની ટીમ 1986ના ફિફા વર્લ્ડ કપમાં રમી હતી. આ વખતે ક્વૉલિફાઇંગ રાઉન્ડની નિર્ણાયક મૅચમાં ઇરાકે બોલિવિયાને 2-1થી હરાવ્યું હતું. વર્લ્ડ કપમાં ઇરાક ગ્રૂપ-આઇમાં સામેલ છે. ફ્રાન્સ, નોર્વે અને સેનેગલ એ ગ્રૂપની બીજી ટીમો છે. ઇરાનનો ગ્રૂપ-જીમાં સમાવેશ છે અને એ ગ્રૂપમાં બેલ્જિયમ, ઇજિપ્ત અને ન્યૂ ઝીલૅન્ડનો સમાવેશ છે.