Fri May 01 2026

Logo

ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની પીછેહઠ કે બીજું કંઈ, જુઓ ટ્રમ્પનો નવો દાવો...

tehran   2026-03-23 22:33:00
Author: Mumbai Samachar Team
Article Image

તહેરાન: વૈશ્વિક રાજકારણમાં અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો સૌથી વધુ ચર્ચામાં છે. એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે ઈરાન પોતે જ સામે ચાલીને શાંતિ મંત્રણા માટે આગળ આવ્યું છે અને આગામી પાંચ દિવસમાં મોટી 'ડીલ' થઈ શકે છે. તો બીજી તરફ, ઈરાને આ તમામ દાવાઓને સરેઆમ ફગાવી દીધા છે. ઈરાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે વોશિંગ્ટન સાથે કોઈ પણ પ્રકારની સીધી કે આડકતરી વાતચીત થઈ નથી. આ વિરોધાભાસી નિવેદનોએ મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાની પ્રક્રિયા પર અનેક સવાલો ઉભા કર્યા છે.

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બગાઈએ તેહરાન ખાતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, "અમેરિકા સાથે વાતચીતનો પ્રશ્ન જ ઊભો થતો નથી. અમારું વલણ પહેલા જેવું જ અડગ છે." તેમણે કબૂલ્યું હતું કે કેટલાક મિત્ર દેશો દ્વારા અમેરિકાના સંદેશા ચોક્કસ મળ્યા છે, પરંતુ ઈરાને પોતાની શરતો સ્પષ્ટ કરી દીધી છે. વધુમાં, ઈરાને અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તેના પાવર પ્લાન્ટ્સ કે મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવામાં આવશે, તો ઈરાન તેનો એવો વળતો જવાબ આપશે જેના પરિણામો અત્યંત ગંભીર હશે. ઈરાન અત્યારે કોઈ પણ પ્રકારના દબાણમાં આવીને નમતું જોખવા તૈયાર નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં એક મોટો ધડાકો કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકા ઈરાનના 10 બિલિયન ડોલરના એક વિશાળ પાવર પ્લાન્ટને નિશાન બનાવવાની તૈયારીમાં હતું. ટ્રમ્પે કહ્યું, "અમે તેમનો સૌથી મોટો વીજળી પ્લાન્ટ ઉડાડવાના હતા, જે એક જ શૉટમાં ખતમ થઈ જાય તેમ હતો. શું તેઓ એવું ઈચ્છતા હતા? ના, તેથી જ તેમણે સામેથી કોલ કર્યો છે." ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન હવે સમજૂતી કરવા માટે ઉતાવળું છે કારણ કે અમેરિકાએ તેમના મોટાભાગના સંસાધનોને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે ઉમેર્યું કે સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર પણ આ મંત્રણામાં સક્રિય છે.

તુર્કિયેની મધ્યસ્થી
જ્યારે બે શક્તિશાળી દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે, ત્યારે તુર્કિયેએ શાંતિદૂતની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું છે. તુર્કિયેના વિદેશ મંત્રી હાકાન ફિદાને છેલ્લા 48 કલાકમાં વિશ્વના એક ડઝનથી વધુ નેતાઓ સાથે વાતચીત કરી છે. મીડિયા અહેવાલ મુજબ, ફિદાને ઈરાન, ઈજિપ્ત, કતાર અને સાઉદી અરેબિયાના પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં રહીને યુદ્ધ રોકવા માટે મધ્યસ્થીનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાન અને યુરોપિયન યુનિયનના અધિકારીઓ સાથે પણ આ અંગે ચર્ચા કરવામાં આવી છે જેથી આ પ્રાદેશિક સંઘર્ષને વિશ્વયુદ્ધમાં ફેરવાતો રોકી શકાય.

ડીલ થશે કે યુદ્ધ વધશે? 
ટ્રમ્પના મતે ઈરાની મીડિયા પર ભરોસો કરી શકાય તેમ નથી કારણ કે ત્યાં માહિતી પર પ્રતિબંધો છે. તેઓ માને છે કે ઈરાન ગમે ત્યારે ઘૂંટણિયે પડીને કરાર કરશે. બીજી તરફ ઈરાન પોતાની ઉર્જા સુરક્ષા અને સાર્વભૌમત્વને લઈને કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર તોળાઈ રહેલો ખતરો સમગ્ર મધ્ય પૂર્વના અર્થતંત્રને હચમચાવી શકે છે. હવે જોવાનું એ રહે છે કે આગામી પાંચ દિવસમાં ટ્રમ્પનો દાવો સાચો પડે છે કે પછી ઈરાન પોતાની ચેતવણી મુજબ વળતો હુમલો કરીને સ્થિતિને વધુ સ્ફોટક બનાવે છે.