Sat Sep 05 2026

Logo

હુમલાથી સમસમી ઉઠેલા ઈરાને આ દેશોને બનાવ્યા નિશાન, જુઓ લિસ્ટ

Tehran   2026-03-02 13:50:00
Author: Mayur Patel
હુમલાથી સમસમી ઉઠેલા ઈરાને આ દેશોને બનાવ્યા નિશાન, જુઓ લિસ્ટ

તેહરાનઃ  અમેરિકા અને ઈઝરાયલે મળીને ઈરાન પર કરેલા હુમલાથી ઈરાન પણ સમસમી ઉઠ્યું છે. ઈરાને વળતી કાર્યવાહી કરતાં ખાડી દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. ઈરાને 9 દેશોમાં મિસાઈલ અને ડ્રોનથી તબાહી મચાવી છે.

ઈઝરાયલઃ  બીટ શેમેશ શહેરમાં ઈરાનના હુમલા બાદ ઈમારાત ધરાશાયી થવાથી ઓછામાં ઓછા 9 લોકોનાં મોત થયા છે અને 28 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલની ઈમરજન્સી સર્વિસ કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહી છે.

સીરિયાઃ દક્ષિણ સીયિરાના અસ સ્વેદા શેહરમાં ઈરાનના મિસાઈલ હુમલામાં ચાર લોકોનાં મોત તથા અન્ય ઘાયલ થયા છે. હુમલા અને પ્રતિહુમલાની શ્રુંખલાથી ખાડી વિસ્તાર અને મધ્યપૂર્વના અનેક દેશોમાં નાગરિકો તથા સૈન્ય ઠેકાણા પર ગંભીર અસર પડી છે. તેનાથી સુરક્ષા અને રાજકીય તણાવ વધી ગયો છે.

UAE: યુએઈના રક્ષા મંત્રાલાયે કહ્યું કે, અત્યાર સુધી ઈરાનથી 165 બેલિસ્ટિક અને બે ક્રૂઝ મિસાઈલ તથા 541 ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગના તોડી પાડવામાં આવ્યા હતા. તેમના કાટમાળથી રહેણાંક વિસ્તારોમાં નુકસાન થયું છે. 

ઓમાનઃ રવિવારે એક ડ્રોન ઓમાનના દુકમ પોર્ટ પર ઈરાન દ્વારા છોડવામાં આવ્યું હતું. જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. હોર્મુઝની ખાડી નજીક ત્રણ જહાજો પર હુમલો થયો છે. યુકે મેરિટાઈમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટર મુજબ એક જહાજમાં આગ લાગી છે અને ઓઈલ ટેન્કર પર ચાર લોકો ઘાયલ થયા છે.

કતારઃ રક્ષા મંત્રાલયના કહેવા પ્રમાણે અમેરિકાના એરબેસને નિશાન બનાવીને 18 બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી. જેમાં 16 લોકો ઘાયલ થયા છે.

કુવૈતઃ રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈરાને 97 બેલિસ્ટિક મિસાઈલ અને 283 ડ્રોન છોડ્યા હતા. જેમાં એક વ્યક્તિનું મોત અને 30થી વધારે ઘાયલ થયા છે. કાટમાળ પડવાના કારણે કેટલાક વિસ્તારમાં નુકસાન થયું છે. ડ્રોને મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટને પણ નિશાન બનાવ્યું હતું. જેમાં નવ કર્મચારી ઘાયલ થયા છે.

સાઉદી અરબઃ સાઉદી અરબના વિદેશ મંત્રાલયે રિયાદ અને પૂર્વ વિસ્તારમાં ઈરાની હુમલાને સફળતાપૂર્વક રોકવામાં આવ્યો હોવાની પુષ્ટિ કરી હતી. મિસાઈલે રિયાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને પ્રિન્સ સુલતાન એસબેસને ટાર્ગેટ બનાવ્યા હતા.

જોર્ડન અને ઈરાકઃ જોર્ડને કહ્યું કે, તેમણે 49 ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલ રોકી હતી. ઈરાકમાં ઈરાની ડ્રોને આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવ્યું હતું, જ્યાં અમેરિકન સૈન્ય બેસ પણ છે. ડિયાલા પ્રાંતમાં ઈરાન સમર્થિત મિલિશિયાના ચાર સભ્યોના મોત થયા હતા.  

બહેરીનઃ બહેરીને જણાવ્યું કે એક મિસાઈલ અમેરિકી નૌસેનાના 5માં ફ્લીટના મુખ્યાલયને નિશાન બનાવી રહી હતી, જેના કારણે મનામા અને મુહર્રક શહેરમાં ત્રણ ઇમારતોને નુકસાન થયું છે. મંત્રાલયે કહ્યું કે 45 મિસાઈલ અને 9 ડ્રોનને રોકી દેવામાં આવ્યા હતા. ક્રાઉન પ્લાઝા હોટલને પણ નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.