સમગ્ર દુનિયાની નજર અત્યારે મિડલ ઈસ્ટ પર ટકી રહી છે. મિડલ ઈસ્ટ હાલમાં ભયાનક યુદ્ધની જ્વાળાઓમાં સપડાયું ગયું છે. જગત જમાદાર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા સતત ત્રીજા દિવસે ઈરાન પર એર સ્ટ્રાઈક કરાઈ રહી છે અને એની સામે ઈરાને પણ જડબાતોડ વળતો પ્રહાર કરી રહ્યું છે. જોકે, યુદ્ધ વચ્ચે સૌથી ચોંકાવનારા સમાચાર ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇના મૃત્યુની પુષ્ટિ અંગેના છે. હવે આ બધા વચ્ચે ઈરાન અત્યાર સુધી કેટલા યુદ્ધ કરી ચૂક્યું છે અને એમાંથી કેટલા યુદ્ધમાં તેણે વિજય મેળવ્યો છે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. તાલો આજે આ સ્ટોરીના માધ્યમથી આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ...
ઈરાનનો ઈતિહાસ 2500 વર્ષથી પણ વધારે પ્રાચીન છે, જે અગાઉ 'પર્શિયા' તરીકે ઓળખાતું હતું અને તેની ગણતરી વિશ્વના સુપર પાવર કન્ટ્રીમાં કરવામાં આવતી હતી. છઠ્ઠી સદી બીસીમાં પર્શિયા દુનિયાનું પહેલું મહાસામ્રાજ્ય હતું અને એશિયા, આફ્રિકા અને યુરોપના મોટાભાગના પ્રદેશો પર તેમનું શાસન હતું.
બીસી 330માં એલેકઝાંડર ધ ગ્રેટ એટલે કે સિકંદરે પર્શિયન સામ્રાજ્યને પરાજિત કર્યું હતું અને ઈતિહાસની સૌથી મોટી સૈન્ય હાર ગણાય છે, જેણે પર્શિયાના પતનની શરૂઆત કરી હતી. સાતમી સદીમાં સસાનીયન સામ્રાજ્ય આરબ સેનાઓ સામે હારી ગયું હતું. આ હારથી પર્શિયાનું શાહી શાસન ખતમ થયું અને ઈરાનની સાંસ્કૃતિક તેમજ ધાર્મિક ઓળખ હંમેશા માટે બદલાઈ ગઈ.
આ સિવાય 1219થી 1260 વચ્ચે મંગોલ આક્રમણખોર ચંગીઝ ખાન અને તેના ઉત્તરાધિકારીઓએ ઈરાન પર હુમલો કર્યો હતો અને આ હુમલામાં તેમણે મોટા શહેરોને તહેસનહેસ કરી કરી નાખ્યા હતા. આ યુદ્ધમાં લાખો લોકોની કતલ થઈ હતી અને આ પણ ઈરાનના ઈતિહાસમાં તેની સૌથી મોટી કારમી હાર ગણાય છે. જોકે, આ હાર છતાં પર્શિયન સંસ્કૃતિએ મંગોલોને પણ પ્રભાવિત કર્યા હતા.
વાત કરીએ આધુનિક સમયની તો સદ્દામ હુસૈનની આગેવાની હેઠળ ઈરાકે ઈરાન પર હુમલો કર્યો હતો. આઠ વર્ષ સુધી ચાલેલા આ લોહિયાળ યુદ્ધમાં લાખો લોકો માર્યા ગયા હતા. યુનાઈટેડ નેશન્સની મધ્યસ્થીથી સીઝફાયર થયું, જેને ઈરાન પોતાની 'વ્યૂહાત્મક જીત' માને છે. ત્યાર બાદ 1979ની ઈસ્લામી ક્રાંતિ પછી ઈરાને સીધું યુદ્ધ કરવાને બદલે લેબનોન, સીરિયા અને યમન જેવા દેશોમાં તેના સહયોગી ગ્રુપ (હિઝબુલ્લાહ, હુથી વગેરે) દ્વારા પ્રભાવ વધારવાની રણનીતિ અપનાવી હતા.
હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો તણાવ સીધા મિસાઈલ અને ડ્રોન યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. સાયબર હુમલા પણ યુદ્ધના એક મુખ્ય હથિયાર બનીને સામે આવી રહ્યા છે. ટૂંકમાં કહેવાનું થાય તો પોતાના લાંબા ઈતિહાસમાં ઈરાને સિકંદર મહાન, આરબ સેનાઓ અને મંગોલો સામે હાર જોઈ છે, તો બીજી તરફ પોતાની સાંસ્કૃતિક તાકાત જાળવી રાખી છે. અત્યારે અમેરિકા અને ઈઝરાયેલ સાથેનું યુદ્ધ ઈરાન માટે તેના અસ્તિત્વની સૌથી મોટી લડાઈ સાબિત થઈ શકે છે.