લંડન: યુએસ અને ઇઝરાયલે શરુ કરેલી લશ્કરી કાર્યવાહી સામે ઈરાને પણ વળતો જવાબ આપ્યો છે, ઈરાને મધ્યપૂર્વના દેશોમાં યુએસના લશ્કરી મથકો અને ઇઝરાયલના પ્રદેશો પર મિસાઈલ હુમલા કર્યા છે. એવામાં અહેવાલ છે કે ઈરાને મધ્ય પૂર્વના દેશ સાયપ્રસ પર મિસાઈલો છોડી હતી, જ્યાં યુનાઇટેડ કિંગડમના મથકો આવેલા છેઅહેવાલ મુજબ યુકેના સંરક્ષણ સચિવ જોન હીલીએ ખુલાસો કર્યો છે કે ઈરાને સાયપ્રસ તરફ બે મિસાઈલ છોડી હતી. તેમણે જણાવ્યું કે ઈરાન કોઈ પણ પ્રકારનો વિવેક જાળવ્યા વગર બદલો લેવા માટે હુમલા કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું, "અમને ખાતરી છે કે ઈરાને અમારા મથકોને નિશાન બનાવી હુમલો કર્યો ન હતો."
યુકેના 300 કર્મચારીઓ માંડમાંડ બચ્યા:
જોન હીલીએ જણાવ્યું કે બહેરીનમાં જે જગ્યાએ હુમલા કરવામાં આવ્યા તેની નજીક યુકેના લશ્કરી મથકો આવેલા છે, જ્યાં યુકેના 300 કર્મચારીઓ હાજર છે. તેમણે કહ્યું "કેટલાક કર્મચારીઓ મિસાઇલ હુમલો થયો ત્યાંથી માત્ર સો યાર્ડ દૂર હતા." હીલીએ ઈરાન-યુએસ-ઇઝરાયલને હુમલા રોકવા અને શસ્ત્ર કાર્યક્રમો છોડી દેવા અપીલ કરી.
ઈરાન પર ગંભીર આરોપ:
તેમણે એમ પણ જણાવ્યું કે ઈરાને યુકેમાં 20 જેટલા આતંકવાદી હુમલાના કાવતરા ઘડ્યા હતા, જેને કારણે હજારો નાગરિકોના મૃત્યુ થઇ શકે એમ હતાં. યુક્રેન પર હુમલો કરવા માટે ઈરાને રશિયાને 50,000 ડ્રોન સપ્લાય કર્યા હતાં. યુકે વડાપ્રધાન કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં રક્ષણાત્મક કામગીરી માટે યુકેએ વિમાનો તૈનાત કર્યા છે.