Tue Mar 10 2026

Logo

ઈરાન એ ઈરાક નથી, આ કોઈ અનંત યુદ્ધ નથીઃ અમેરિકાનો નવો દાવો

WASINTON DC   1 week ago
Author: Kshitij Nayak
Article Image

વોશિંગ્ટનઃ અમેરિકા-ઈઝરાયલના ઈરાન સામેના સંયુક્ત યુદ્ધને કારણે ખાડી દેશોની સાથે દુનિયાની મહાસત્તાઓની ઊંઘ હરામ થઈ છે, ત્યારે ઈરાકના માફક ઈરાનના હાલ અમેરિકા કરે એવી અટકળો વચ્ચે અમેરિકન પ્રશાસન દ્વારા ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. અમેરિકાના સંરક્ષણ સચિવ (વોર સેક્રેટરી) પીટ હેગસેથે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે ઈરાન ઈરાક નથી કે ત્યાં યુદ્ધ લાંબા સમય સુધી ચાલી શકશે. 

પરમાણુ મહત્ત્વકાંક્ષાને કચડી નાખવા કાર્યવાહી

મિડલ ઈસ્ટના તણાવને લઈ અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું છે કે ઈરાન ઈરાક નથી કે આ યુદ્ધ લાંબા સમયગાળા સુધી ચાલુ રહેશે. જોકે, ઈરાન પર વધતા હુમલા અને મિડલ ઈસ્ટમાં અમેરિકાના અગાઉના હુમલાની સરખામણી કરવાના મુદ્દાને ફગાવ્યો હતો. તેમણે કહ્યું કે વોશિંગ્ટન ઈરાક સાથેના યુદ્ધમાં ફસાઈ રહ્યું નથી, પરંતુ તહેરાનની લશ્કરી શક્તિ અને પરમાણુ મહત્વાકાંક્ષાઓને કચડી નાખવા મહત્ત્વનું અભિયાન ચલાવી રહ્યું છે.

આ અનંત યુદ્ધ નહીં, પણ મર્યાદિત કાર્યવાહી છે

અમેરિકાના વધતા હુમલા અને જાનહાનિ મુદ્દે તેમણે કહ્યું કે આ ઈરાક નથી તેમ જ આ ક્યારેય પૂરું નહીં થનારું યુદ્ધ પણ નથી. અમેરિકન સંરક્ષણ વિભાગ તરફથી સ્પષ્ટતા કરી છે કે ઈરાન સામે જારી યુદ્ધ ઈરાક યુદ્ધ સાથે જોડી શકાય નહીં. તેમણે આ મુદ્દે અફર રહેતા કહ્યું કે આ અનંત યુદ્ધ નથી, પરંતુ મર્યાદિત અને નિર્ણાયક લશ્કરી કાર્યવાહી છે.

લશ્કરી શક્તિઓ પર સચોટ હુમલા કરવામાં આવ્યા

પેન્ટાગોનમાં પત્રકાર પરિષદને સંબંધતા હેગસેથે કહ્યું કે આ અભિયાન ઈરાનની સૈન્ય ક્ષમતાને નબળી પાડવાના ઉદ્દેશ સાથે ચલાવવામાં આવ્યું છે. તેમણે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે ઈરાક નથી અને અંતહીન યુદ્ધ પણ નથી. અમેરિકા સચોટ, સૂચક અને અસરકારક કાર્યવાહી કરી રહ્યા છે. તેમના દાવો અનુસાર હુમલામાં ખાસ કરીને ઈરાનની મિસાઈલ ક્ષમતા, ડ્રોન નેટવર્ક, નૌકાદળની શક્તિ અને પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવી રહ્યા છે, જ્યારે કોઈ દેશ પર કબજો કરવાની નહીં, પરંતુ  સત્તા પરિવર્તનનો છે.

પરમાણુ કાર્યક્રમ ખતરનાક હોવાનું રટણ

હેગસેથે આરોપ મૂકતા કહ્યું કે ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમ છુપાવવા માટે પારંપારિક લશ્કરી તાકાતનો ઉપયોગ કરતું હતું. તેમણે દાવો કર્યો હતો કે બેલેસ્ટિક મિસાઈલ અને ઘાતક ડ્રોનનું વધતું જોખમ વૈશ્વિક સુરક્ષા માટે અસાધારણ અને અસહનીય જોખમ ઊભું કર્યુ હતું. જોકે, તેમણે ઈરાક યુદ્ધની તુલનાને ફગાવતા કહ્યું કે આ અભિયાન મર્યાદિત દાયરામાં છે, જ્યારે લક્ષ્ય પણ સ્પષ્ટ છે કે ઈરાનની સૈન્ય અને પરમાણુ ક્ષમતાઓને ખતમ કરવાનું.

ઇરાક સામેના યુદ્ધમાં યુએસને શું ફટકો પડ્યો હતો?

અમેરિકન પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલા નવા નિવેદનમાં ચોક્કસ અનેક તર્ક-વિતર્ક છુપાયેલા છે, કારણ કે ઈરાક સામેના યુદ્ધમાં અમેરિકાએ હજારો અમેરિકન સૈનિકોને ગુમાવ્યા હતા, જ્યારે આર્થિક-નાણાકીય રીતે પણ અમેરિકા ખુવાર થયું હતું. ઉપરાંત, વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન (ડબલ્યુએમડી) નહીં મળવાને કારણે અમેરિકાની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પણ ખરડાઈ હતી.